સૌરાષ્ટ્રના કયા કયા મોટા શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન, જાણો શું શું રહેશે બંધ
કોરોનાથી બચવા રાજ્યમાં કેટલીક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન નાંખવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક મોટા શહેરોમાં સ્વૈચ્છીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રોજ કોરનાના કેસનો આંકડો નવી ટોચ બનાવી રહ્યો છે. આ દરમિયાન કોરોનાથી બચવા રાજ્યમાં કેટલીક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન નાંખવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક મોટા શહેરોમાં સ્વૈચ્છીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
અમરેલીઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા સંક્રમણને લઈને ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી રહ્યા છે. સાવરકુંડલાના મોટા ભામોદરા ગામ લોકો અને ગ્રામ પંચાયત દ્વારા કોરોનાના વધતા સંક્રમણને સ્વયંભૂ દુકાનો બંધ રાખી કોવિડના નિયમોનું પાલન રાખવા નિર્ણય કરાયો છે. લીલીયામાં ડાયમંડ યુનિટો 10 દિવસ સુધી બંધ રહેશે.
જૂનાગઢઃ વિસાવદરમાં 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ સજ્જડ બંધ રહેશે. જૂનાગઢમાં સંક્રમણ અટકાવવા માટે યાર્ડ ચેરમેન કિરીટ પટેલ દ્વારા 16 થી 18 બે દિવસ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટઃ કોરોનાના કહેર વધતા ગ્રામ્ય વિસ્તારો જાગૃત થયા છે. કોલીથડ જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા 24 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 10 દિવસ સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવશે.
જેતપુરઃ 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 30 એપ્રિલ સુધી રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક જનતા કરફ્યુ કરવા અપીલ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશને નિર્ણય લીધો છે.
ભાવનગરઃ તળાજામાં વધતા કેસ ને ધ્યાને રાખી ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી આગેવાનોએ રાત્રી ના ૮થી સવાર ના 6 સુધી સ્વૈચ્છિક લોકડાઉન ૧૩ તારીખ થી એક સપ્તાહ સુધી નક્કી કરેલ છે. શુક્રવાર, શનિવાર અને રવિવાર સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.
ગોંડલઃ ગોંડલ તાલુકા અનિડા ગામમાં 10 દિવસનું આંશિક લોકડાઉન છે. બહારના શ્રમિકોને ગામમાં ન આવવા અને ગામના શ્રમિકોને બહાર ન જવા અપીલ કરાઈ છે. ગામમાં રાત્રે 6થી 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે.
દ્વારકાઃ દ્વારકા જિલ્લાના કુલ 14 ગામોએ લોકડાઉન લગાવ્યું છે. વિરમદળ અને વજત્ર ગામમાં 21 એપ્રિલ સુધી બપોર બાદ જીવન જરૂરિ સિવાય તમામ દુકાનો બંધ રહેશે.
જસદણઃ વિરનગર ગ્રામ પંચાયતએ આંશિક લોકડાઉન જાહેર કર્યું છે. ગામમાં કોરોનાના કેસ વધતા દુકાનો સવારે 6 થી 10 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી જ ખુલી રહેશે. જો કોઈ વેપારીઓ ગામમાં પંચાયત ના નિર્ણયનો ભંગ કરશે તો 1151 રૂપિયા દંડ ભરવો પડશે.
જામનગરઃ જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. જે બાદ ગામ સજ્જડ બંધ રાખવા નિર્ણય કરાયો છે. ફલ્લા ગામમં પણ એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામા આવ્યો છે.
બોટાદ: રાણપુર ગામ પચાયત અને વેપારી એસોસિએશન દ્વારા 13 અને 14 એપ્રિલ બે દિવસ માટે લોકડાઉની જાહેરાત કરવામાં આવી છે . રાણપુરમાં આજુબાજુ ના 40 થી વધુ ગામડાના લોકો ખરીદી માટે આવતા હોય છે. તેથી કોરોનાની ચેન તોડવા આ ફેંસલો કરાયો છે.