શોધખોળ કરો
Saurashtra rains: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાનો માર, મહુવામાં 15 ઇંચ વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી
Saurashtra rains: સામાન્ય રીતે શિયાળાના પગરવ સમયે ગુજરાતમાં ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ આ વર્ષે કુદરત જાણે રુઠી હોય તેમ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે કમોસમી વરસાદ (માવઠું) વરસી રહ્યો છે.
Saurashtra rains: લોકો સ્વેટરને બદલે રેઈનકોટ સાથે રાખવા મજબૂર બન્યા છે. ખાસ કરીને ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાઓમાં માવઠાનો જબરજસ્ત માર પડ્યો છે. ગીર સોમનાથમાં 24 કલાકમાં 3 થી 7 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ નોંધાયો, જેના કારણે હિરણ - 2 ડેમમાં નવા નીર આવ્યા અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું. ભાવનગરના મહુવામાં તો 36 કલાકમાં 15 ઇંચ વરસાદ વરસતાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આ માવઠાના કારણે ખેતીના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે.
1/5

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3 થી 7 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ વરસાદ સુત્રાપાડા તાલુકામાં 7 ઇંચ અને ઉના, વેરાવળ, ગીર ગઢડા તથા કોડીનારમાં 5 ઇંચ નોંધાયો છે. ભારે વરસાદના પરિણામે હિરણ - 2 ડેમમાં પાણીની ભારે આવક થતાં પ્રશાસને ડેમના 2 દરવાજા 0.5 મીટર સુધી ખોલીને નીચાણવાળા ગામો જેવા કે ઉમરેઠી, માલજીજવા, સેમરવાવ (તાલાલા) અને ભેરાળા, મંડોર, પ્રભાસ પાટણ (વેરાવળ) ને એલર્ટ કર્યા છે. સુત્રાપાડાના ગાગેથા અને અરણેજ નજીકથી પસાર થતી હોમત નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
2/5

વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેના કારણે પ્રાચી તીર્થના માધવરાય ભગવાનનું મંદિર જલમગ્ન બન્યું હતું, અને મંદિરમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વેરાવળની ભાગોળે આવેલી દેવકા નદી પણ બે કાંઠે વહી, જેના કારણે આંબલિયાળા ગામને જોડતા માર્ગ પરના કોઝ વે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. સુત્રાપાડાના લાંટી ગામના ખેતરોમાં પાણી ફરી વળતાં મગફળીના પાથરા પાણીમાં તરતા જોવા મળ્યા હતા, જેનાથી ખેતી પાકને ભારે નુકસાન થયું છે.
3/5

ભાવનગર જિલ્લામાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે. સૌથી વધુ વરસાદ મહુવા માં નોંધાયો છે, જ્યાં 36 કલાકમાં 15 ઇંચ જેટલો જંગી વરસાદ વરસ્યો છે. આ ભારે વરસાદના કારણે મહુવા નગરપાલિકા વિસ્તારમાં બીજા દિવસે પણ ગોઠણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. લાંબા સમય સુધી વરસાદી પાણી ન ઓસરતા સ્થાનિક નગરપાલિકા પ્રશાસનની પ્રિ-મોન્સૂન અને આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
4/5

ભારે વરસાદના કારણે વેરાવળ - સોમનાથ બાયપાસ પરની ઝૂંપડપટ્ટીઓમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે તંત્ર દ્વારા 20 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેમને શાળામાં સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો હતો, જ્યારે જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 1 થી 2.75 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
5/5

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજકોટના લોધીકા, પડધરી, ગોંડલ, કોટડા સાંગાણી સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો. ઉપલેટા શહેરના કાદિ વિસ્તાર, શાકમાર્કેટ, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જ્યારે જેતપુર અને ધોરાજીના બજારો અને મુખ્ય માર્ગો પર પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં તો સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ રહ્યો, જેમાં લીંબડી, ચોટીલા અને થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
Published at : 28 Oct 2025 04:33 PM (IST)
આગળ જુઓ
Advertisement





















