વન રક્ષકની પરીક્ષાના પેપર ફૂટવા મામલે વધુ એક ધડાકોઃ મહિલા ઉમેદવારે કહ્યું, 'પરીક્ષાનું પ્રશ્ન પત્રનું પેકેટ તૂટેલું હતું'
રાજકોટના ઉમેદવાર ગીતાબેન માલીએ કહ્યું પરીક્ષાનું પ્રશ્ન પત્રનું પેકેટ તૂટેલું નીકળ્યું. પેકેટમાં 3 ઇંચનો કાપો હતો. તેના ઉપર ટેપ મારી દેવામાં આવી હતી.
રાજકોટઃ વનરક્ષકની પરીક્ષાના પેપર વાયરલ થવા મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો. ત્યારે હવે વનરક્ષકની પરીક્ષાના પેપર ફૂટવા માટે એક મહિલા ઉમેદવાર સામે આવ્યા છે. રાજકોટના ઉમેદવાર ગીતાબેન માલીએ કહ્યું પરીક્ષાનું પ્રશ્ન પત્રનું પેકેટ તૂટેલું નીકળ્યું. પેકેટમાં 3 ઇંચનો કાપો હતો. તેના ઉપર ટેપ મારી દેવામાં આવી હતી. ઉમેદવાર ગીતાબેને આશંકા વ્યક્ત કરી. તંત્રએ નોંધ કરી પણ કાર્યવાહી ન નામે મીંડું. 2 ઉમેદવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો. રોજમ કરવામાં આવ્યું. સીસીટીવી અને ફોટા જાહેર કરવા ઇનકાર. તમામ સાહિત્ય ગુજરાત યુની. ના અધિકારી લઈ ગયા. પેપર ફૂટવા ના કૌભાંડ ઉપર પડદો પાડી દેવા ખેલ ખેલાયો.
ગઈ કાલે કૉંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં બેનરો લઈને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. આ પરીક્ષામાં ઉનાવા મીરા દાતાર હાઇસ્કૂલમાં પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ઉમેદવાર પાસેથી સાહિત્ય પકડાયું હતું. સરકારી ભરતી પરીક્ષામાં વારંવાર બનતા પેપર ફૂટવાના બનાવને લઈને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ આજે વિધાનસભાના પરિસરમાં બેનરો સાથે દેખાવ કર્યા હતા. પેપર મુદ્દે વિધાનસભામાં ગૃહમાં હંગામો થતાં ગૃહને 15 મિનિટ મુલતવી રાખવાનો આદેશ કરાયો હતો. બાદમાં કામગીરી ફરી શરૂ થતાં વિપક્ષ દ્વારા વિધાનસભામાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું.
કૉંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો હતો અને વિધાનસભામાં કહ્યું હતું કે ગઈકાલે વનરક્ષકની ભરતી પ્રક્રિયાની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે તેની ગૃહમાં ચર્ચા કરવામાં આવે. બીજી તરફ વિધાનસભા અધ્યક્ષે પુંજાભાઈના પોઇન્ટ ઓફ ઓર્ડરને નકારી કાઢ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે તમારે આની અલગથી ચર્ચા કરવા માટે નિયમ 116ની નોટિસ આપવી પડે તો જ વિધાનસભામાં આ ચર્ચા શક્ય બનશે. જેથી કોંગ્રેસના સભ્યોએ વિધાનસભા ગૃહમાં હંગામો મચાવ્યો હતો અને 'પેપર ફોડ ભાજપ સરકાર નહીં ચલગી, નહીં ચલેગી'ના સૂત્રોચ્ચાર ગૃહમાં કર્યા હતાં. જ્યારે કેટલાક ધારાસભ્યોએ ગૃહમાં સરકારવિરોધી પ્લેકાર્ડ દર્શાવ્યાં હતાં.
વનરક્ષક પરીક્ષાનું પેપર લીક નહીં પરંતુ કોપી કેસ થયાનો સરકારનો દાવો
વન રક્ષક પરીક્ષાનું પેપર લીક થયાની ચર્ચા શરૂ થતાં ચાર લાખ કરતાં વધુ પરીક્ષાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીએ પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું અને પરીક્ષા લેવાની જવાબદારી વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષકના કાર્યાલયની હતી. 11 વાગ્યે શરૂ થયેલી પરીક્ષા 2 વાગ્યે પૂરી થવાની હતી. આ તમામની વચ્ચે મહેસાણા જિલ્લાના ઉનાવાની મીરાદાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યા હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ પરીક્ષા કેંદ્રના બ્લોક નંબર 9-10ના પરીક્ષાર્થી કે જેમનો બેઠક ક્રમાંક 1265800 હતો તેની પાસેથી પ્રશ્નોના જવાબની કાપલી મળતાં હોબાળો મચી ગયો હતો. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈએ પ્રતિક્રિયા આપી હતી. કોપી કેસને પેપરલીક ગણાવી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કેટલાક લોકો રચતાં હોવાનું સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીનો દાવો છે.