ગુજરાતના આ જિલ્લામાં લોકોને લૂંટવા ગેસ્ટ હાઉસમાં નકલી કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવાઈ, જાણો કઈ રીતે ફૂટ્યો ભાંડો ?
ચોટીલા હાઈવે પર આવેલા શિવ શક્તિ ગેસ્ટ હાઉસ અને હોટલમાં કોઈ પણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે કોવીડ હોસ્પીટ શરૂ કરવામાં આવી હોવાની બાતમીના આધારે જીલ્લા કલેકટર કે.રાજેશે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ વદી રહ્યા છે તેનો લાભ લેવા કેટલાક લેભાગુ તત્વો સક્રિય થઈ ગયા છે. આવી જ એક ઘટનામાં સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર રીતે નકલી કોવિડ હોસ્પિટલ બનાવી દેવાઈ હતી. ચોટીલા નેશનલ હાઈવે પર ગરકાયદેસર રીતે એક હોટલમાં અનઅધિકૃત રીતે કોવીડ હોસ્પિટલ કાર્યરત કરી દેવાઈ હતી. આ અંગેની બાતમીના આધારે આરોગ્ય વિભાગની ટીમે રેઈડ કરીને ડોક્ટર સહિતના સ્ટાફને ઝડપી પાડ્યા છે.
ચોટીલા હાઈવે પર આવેલા શિવ શક્તિ ગેસ્ટ હાઉસ અને હોટલમાં કોઈ પણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે કોવીડ હોસ્પીટ શરૂ કરવામાં આવી હોવાની બાતમીના આધારે જીલ્લા કલેકટર કે.રાજેશે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે ચોટીલા તાલુકા હેલ્થ ઓફીસર સહિતની ટીમે રેઈડ કરી હતી જેમાં કોવીડ હોસ્પીટલમાં ઓક્સિજન સહિતની સુવિધાઓ સાથે કોરોના દર્દીઓ સારવાર લેતાં નજરે પડયાં હતાં.
આ ગેરકાયદેસર હોસ્પિટલમાં ડોક્ટરને પણ હાજર રખાયા હતા. ટીમને ફરજ પરના ડોક્ટરની તબીબી ડીગ્રી અંગે પણ શંકા જતાં આરોગ્ય વિભાગે તપાસ કરતાં તેની ડીગ્રીની તપાસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત ડોક્ટર સહિતના સ્ટાફ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. કોરોના મહામારી દરમ્યાન દર્દીઓ અને પરિવારજનોની મજબૂરીનો લાભ લઈ મંજૂરી ન હોવા છતાં કોવીડ હોસ્પીટલ શરૂ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા તેમજ લૂંટ ચલાવવા બદલ કેસ દાખલ કરાશે. આવા ડોક્ટરો સહિત જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
સુરેન્દ્રનગર શહેર અને આસપાસના તાલુકાઓમાં કોરોના વાયરસનું સતત સંક્રમણ વધી રહ્યું છે. જીલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધતાં સરકાર અને વહિવટી તંત્રના સંકલનથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કોરોના પોઝીટીવ દર્દીઓને સહેલાઈ અને સરળતાથી સારવાર મળી રહે તે માટે તમામ સુવિધાઓ સાથે કોવિડ હોસ્પીટલો શરૂ કરવામાં આવી છે. જો કે સતત કેસો વધવાના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારની કોવીડ હોસ્પીટલો ફુલ થઈ ગઈ હોવાતી લોકો નાછૂટકે આ હોસ્પિટલોમાં જઈ રહ્યા છે.