ગુજરાતના આ મોટા શહેરના મેડિકલ એસોસિએશને રાજ્યમાં 21 દિવસના લોકડાઉનની કરાઈ રજૂઆત, સ્થિતીને ગણાવી ભયાનક
IMAના પૂર્વ પ્રમુખ ડો.અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. હાલની પરિસ્થિતિ જોતાં કોરોના ચેન તોડવી પ્રથમ આવશ્યકતા છે અને એ માટે લોકડાઉન એ જ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.
રાજકોટઃ રાજ્યમાં કોરોનાએ રૌદ્ર (Coronavirus) સ્વરૂપ ધારણ કર્યુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે, આજે દેશને લોકડાઉનથી બચાવવાનો છે. તેમણે રાજ્યોને પણ અનુરોધ કર્યો કે, લોકડાઉનનો ઉપયોગ અંતિમ શસ્ત્ર તરીકે કરે અને કોઈ વિકલ્પ ના બચે ત્યારે જ લોકડાઉન લાદે. એ સિવાય લોકડાઉન (lockdown) લાદવાનો વિચાર પણ ન કરે. મોદીએ સ્પષ્ટ રીતે દેશમાં લોકડાઉન નહીં લદાય એ સ્પષ્ટ કરી દીધું હતું. જોકે તેમ છતાં રાજ્યમાંથી ઘણા સંગઠનો દ્વારા લોકડાઉનની માંગ કરવામાં આવી છે.
રાજકોટ મેડિકલ એસોસિયેશન દ્વારા કોરોનાની ચેન તોડવા માટે 21 દિવસનું લોકડાઉન કરવાની જરૂર હોવાની રજૂઆત કરી છે. IMAના પૂર્વ પ્રમુખ ડો.અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટ(Rajkot)ની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. હાલની પરિસ્થિતિ જોતાં કોરોના ચેન તોડવી પ્રથમ આવશ્યકતા છે અને એ માટે લોકડાઉન એ જ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.
રાજકોટમાં શું છે કોરોનાની સ્થિતિ
મંગળવારે રાજકોટ શહેરમાં (Rajkot Corona Cases) 764 અને ગ્રામ્ય વિસ્તારમાં 86 સહિત કુલ 850 નવા કેસ સામે આવ્યા છે. મંગળવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 66 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. હાલની સ્થિતિએ રાજકોટ શહેરમાં 28146 અને ગ્રામ્યમાં 9028 સહિત કુલ 37174 કેસ થઈ ચૂક્યા છે.
રાજ્યમાં શું છે કોરનાનું ચિત્ર
મંગળવારે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે.





















