રાજકોટમાં માસૂમની હત્યાનો ઉકેલાયો ભેદ, માતાએ જ બે વર્ષના બાળકને કૂવામાં ફેંકી કરી હતી હત્યા
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી મહિલાના પતિને શંકા હતી કે બાળક તેના પ્રેમીનું છે

રાજકોટમાં માતાએ માસૂમની હત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, રાજકોટના થોરાળામાં બે વર્ષના માસૂમની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી દીધો હતો. થોરાળા પોલીસે હત્યાના આરોપમાં ભાવના ઉર્ફે ભાવુ નામની મૃતક બાળકની માતાની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી મહિલાના પતિને શંકા હતી કે બાળક તેના પ્રેમીનું છે. બસ આ જ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પતિએ બાળક પ્રેમીને આપી આવવાનું કહેતા આરોપી માતાએ માસૂમ બાળકને કુવામાં ફેંકીને હત્યા કરી નાંખી હતી. બાદમાં પતિએ બાળકની હત્યા કરી હોવાની પણ પોલીસને જણાવી હતી. જો કે પોલીસની આકરી પૂછપરછમાં આરોપી માતાનો પાપનો ભાંડો ફૂટી ગયો હતો.
નોંધનીય છે કે રાજકોટમાં બેડી નજીક 23 ફેબ્રુઆરીના રોજ કૂવામાંથી શંકાસ્પદ રીતે 2 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં બાળકનું પોસ્ટમોર્ટમ કરી આપસાપસના વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકની વિગતોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. અંતે એક મહિના બાદ થોરાળા પોલીસને આ મામલે સફળતા મળી હતી.
મૃતક બાળકની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અપીલ કરવામાં આવી હતી. પરંતુ પોલીસને મૃતક બાળક બાબતેની કોઈ ચોક્કસ માહિતી મળી નહોતી. જે દરમિયાન રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ભાવના ઉર્ફે ભાવુ પોતાના પરિવારજનો સાથે આવ્યા હતા. તેમજ પોતાના ભાણેજ રાયધનની હત્યા તેના જ પિતા દ્વારા કરવામાં આવી હોવાનું તેમજ લાશને કોઈ જગ્યાએ ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલાને જાણ થતાં થોરાળા પોલીસે રણછોડ ભરવાડને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
પૂછપરછમાં રણછોડે બાળકને લઈ પોતાની પત્ની સાથે માથાકૂટ અવારનવાર થતી હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ રણછોડે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, પોતાને શંકા હતી કે બાળક પોતાનું નહીં પરંતુ તેની પત્નીના પ્રેમીનું છે. જેથી ફેબ્રુઆરી મહિનામાં પોતાની પત્ની પોતાના માવતરેથી પરત આવી હતી. ત્યારે રણછોડે પોતાની પત્નીને કહ્યું હતું કે, બાળક જેનું છે તેને આપતી આવજે ત્યારબાદ જ ઘરે આવજે. તેવું કહેતા પત્નીએ રસ્તામાં જ વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં બાળકને ફેંકી દઈ તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ભાવનાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણીએ પોતે જ પોતાના બાળકને કુવામાં ફેંકી દઈ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભાવનાના પ્રેમી સાથે છેલ્લા પાંચેક વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે હાલ એરપોર્ટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





















