રાજકોટ ભાજપના નેતાના પુત્ર પર જમીન કૌભાંડનો આરોપ, જાણો કોણે કર્યો આક્ષેપ?
રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રીના પુત્ર સામે જમીન કૌભાંડના આરોપ લાગતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
રાજકોટઃ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના પુત્ર ભરત સામે જમીન કૌભાંડના આરોપ લાગતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટ જિલ્લાના લોધિકાના દેવડા ગામના મુકેશ પરમાર નામના વ્યક્તિએ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે કે મેટોડામાં તેમની માલિકીના મુરલી મનોહર પાર્કમાં પ્લોટમાં ભાજપ આગેવાન નાગદાન ચાવડાના પુત્ર ભરત ચાવડા અને મુંજકાનો કાથડ સીદી છૈયા સહિતનાઓ પ્લોટમાં ઘૂસી આવ્યા અને પ્લોટની કમ્પાઉન્ડ વોલ તોડી પાડી હતી. તો સામા પક્ષે પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં આરોપી તરીકે મુકેશ પરમારનું નામ આપવામાં આવ્યું છે. હાલ આ કેસમાં પોલીસે બંને પક્ષે અરજીઓ લઈને કાર્યવાહી શરુ કરી છે.
પાટણઃ ‘દારૂ વેચવો હોય તો દૂધ જેવો ચોખ્ખો વેચો’, જાણો ગુજરાતના ક્યા નેતાએ કર્યો આ બફાટ
દારૂ વેચવો હોય તો દૂધ જેવો ચોખ્ખો વેચો. આ બફાટ કર્યો છે મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેયરમેન વિપુલ ચૌધરીએ. કેમિકલ લઠ્ઠાકાંડમાં મોતના તાંડવથી આખું ગુજરાત ધણધણ્યુ છે. એવામાં વિપુલ ચૌધરીની વણમાગી સલાહ સામે આવી છે.
પાટણમાં અર્બુદા સેનાની બેઠકમાં વિપુલ ચૌધરીએ મીડિયા સાથેની વાતમાં કહ્યુ કે, સહકારી સંસ્થાઓ ગુણવત્તા યુક્ત દૂધનું વેચાણ કરી રહી છે. તો ગુણવત્તાયુક્ત દારુનું વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. વિપુલ ચૌધરી આટલે જ ન અટક્યા અને ત્યાં સુધી બોલ્યા કે, સરકારને તકલફી ન હોય તો દારૂના વેચાણ માટે અમારી એજંસી આપી દઈએ. વિપુલ ચૌધરીએ દારૂબંધી હટાવી સહકારી ક્ષેત્રે દારૂનું વેચાણ કરવાની આપેલી વણમાગી સલાહથી મોટો વિવાદ સર્જાયો છે.
નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થયું છે. આ સાથે કેમિકલ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 42 પર પહોંચ્યો છે. બરવાળાના 45 વર્ષીય ગિરીશ વશરામ ભાઈનું સારવાર બાદ મૃત્યુ થયું છે. બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડ બાદ 95 અસરગ્રસ્તોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. બરવાળા કેમિકલ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 42 પર પહોંચ્યો છે. હજુ પણ કેમિકલ લઠ્ઠાકાંડની અસરથી 60થી વધુ લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 21 આરોપીઓની ધરપકડ કરી છે.