Rajkot: યુવક પર લાગ્યો હતો સગીરા પર દુષ્કર્મનો આરોપ,વાડીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
લોધિકા રોડ પર આવેલ પોતાની વાડીએ નાલામાં લીમડાના ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો હતો. લીમડાના ઝાડ પર પ્લાસ્ટિકની બે થેલીઓ લટકતી જોવા મળી હતી.

રાજકોટ: રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા સગીરા સાથે દુષ્કર્મ કર્યાની ફરિયદા નોંધાઈ હતી. જેમાં આરોપ હતો કે આરોપીએ સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. સાવરકુંડલાની મોડલિંગ સાથે જોડાયેલી સગીરાએ રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે આ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. દુષ્કર્મનો જે યુવક પર આરોપ લાગ્યો હતો તેણે વાડીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.
યુવકે લીમડાના ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો
મૃતક અમિત ખૂંટ લોધિકા રોડ પર આવેલ પોતાની વાડીએ નાલામાં લીમડાના ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો હતો. લીમડાના ઝાડ પર પ્લાસ્ટિકની બે થેલીઓ લટકતી જોવા મળી હતી. FSL ટીમના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતકના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. ઝાડના થડ પાસે મૃતકના ચપ્પલ જોવા મળ્યા હતા. ગોંડલ તાલુકા ઇન્ચાર્જ PI એ.સી.ડામોર, LCB સહિત પોલિસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતક પાસેથી એક કાગળ મળી આવેલ હતો જેમાં ઘરના નંબર લખ્યા હતા અને કહ્યું હતુ કે પરિવારને કોઈ હેરાન ન કરતા.
યુવક પર યાજ્ઞિક રોડ પર કેફી પીણું પીવડાવીને ગોંડલ રોડ પર અવાવરૂ સ્થળે લઇ જઇ બળાત્કાર ગુજાર્યાનો આરોપ લાગ્યો હતો. આજે અમિતે પોતાની વાડીમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી.
જાણો શું છે મામલો
સાવરકુંડલાની 17 વર્ષની સગીરાએ આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા બે મહિનાથી તે રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેને રીબડા ગામના અમિત ખુંટ નામના યુવક સાથે પરીચય થયો હતો. આ દરમિયાન બંને અનેકવાર મળતા હતા. સગીરાનો આરોપ છે કે યુવકે જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે
હાલ તો આ સમગ્ર કેસમાં પોલીસે ઝીણવટભરની તપાસ શરુ કરી છે. દુષ્કર્મના આરોપમાં પોલીસ તપાસ શરૂ થાય તે પહેલાં જ યુવકે પોતાની વાડીએ ગળે ફાંસો ખાઈને આપધાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





















