Saurashtra University Examinations: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઈથી શરુ થશે પરીક્ષાઓ, અંદાજે 65 હજાર વિદ્યાર્થી આપશે પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત 8 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સરકારની એસઓપી વચ્ચે આ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે.
કોરોનાની મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પરીક્ષા લેવા અંગે અટકળો ચાલતી હતી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તમામ યુનિવર્સિટી અને કોલેજોના યુજી સેમ-1 થી 4ના વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ પ્રોગ્રેશન આપવામાં આવ્યું હતું. જો કે, યુજીના છેલ્લા સેમ અને પીજીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની અસમંજસ વચ્ચે રાજ્યભરમાં ઓનલાઈન પરીક્ષા લેવાનું શિક્ષણ વિભાગ દ્વારા સુચન કરવામાં આવ્યું હતું. જો કે હવે કેસો ઘટતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત 8 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સરકારની એસઓપી વચ્ચે આ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. બે તબક્કામાં પરીક્ષા યોજાશે. ટૂંક સમયમાં ઉચ્ચ કક્ષાએથી નિર્ણય આવ્યા બાદ પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ નક્કી કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેઠાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના ખૂબ જ ઓછા કેસ આવી રહ્યાં છે. ત્યારે હવે ઓફલાઈન પરીક્ષા લેવાનું સંભવ બન્યું છે. આ માટે રાજ્ય સરકાર પાસેથી સુચનો મંગાવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ ઓફલાઈન પરીક્ષાની મંજૂરી મળી જાય તેને ધ્યાનમાં લઈ અમે ઓફલાઈન પરીક્ષાની સંભવિત તારીખો જાહેર કરી છે.
આ પરીક્ષાઓ બે તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં કુલ 32000 જેટલા વિદ્યાર્થીઓને 8 જુલાઈથી પરીક્ષા લેવાશે. ત્યારબાદ બીજા તબક્કામાં કુલ 33000 વિદ્યાર્થીઓ 19 જુલાઈએ પરીક્ષા લેવામાં આવશે. બન્ને મળી કુલ 65000થી વધુ પરીક્ષાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કુલ 106 કેન્દ્રો પર સરકારની ગાઈડ લાઈન મુજબ પરીક્ષા લેવાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુજી સેમ-6 અને પીજી સેમ-2-4 તેમજ એક્ષટર્નલ વિદ્યાર્થીઓ પણ આમાં પરીક્ષા આપશે. એક કલાસમાં 20 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પણ પુરતું ધ્યાન દેવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટેની તમામ તૈયારીઓ યુનિવર્સિટી દ્વારા અત્યારથી જ ચાલુ કરી દેવામાં આવી છે. પરીક્ષાની વ્યવસ્થા કઈ રીતે ગોઠવવી અને ફાઈનલ ટાઈમ ટેબલ જાહેર કરવા સુધીનું તમામ પ્લાનીંગ થઈ ચૂક્યું છે. હવે સરકારના આદેશ બાદ આ ઓફલાઈન પરીક્ષા લેવા માટે અમે ટૂંક સમયમાં જ ટાઈમ ટેબલ જાહેર કરશું.