સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, 3 વર્ષના બાળક પર કર્યો હુમલો, આંખ, માથાના ભાગે ગંભીર ઈજા
બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. શહેરમાં રોજના 40થી વધુ લોકો શ્વાનના શિકાર બની રહ્યા છે.
Surat: સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. જેમાં ભટારમાં 3 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો છે. બાળક ઘર પાસે રમી રહ્યું હતું ત્યારે જ અચાનક શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. બાળકનો રડવાનો આવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા. બાળકને આંખ, માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. શહેરમાં રોજના 40થી વધુ લોકો શ્વાનના શિકાર બની રહ્યા છે. લોકો રખડતા શ્વાનો પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. મનપાની રસીકરણ ખસીકરણની કામગીરી પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
આ પહેલા પણ સુરતમાં શ્વાનના હુમલાનો સમાચાર સામે આવ્યા હતા. સુરતના માંડવી નજીક આવેલા બોધાન ગામમાં કુતરાએ એક સાથે પાંચ લોકો પર ઘાતક હુમલો કરી દીધો છે. આવા હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે, હાલમાં આ તમામ ઘાયલોને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
માહિતી પ્રમાણે, સુરતના માંડવીના બોધાન ગામે હડકાયા આતંક જોવા મળ્યો છે. હડકાયલા કુતરાએ એવો આતંક મચાવી દીધો કે તેને આખુ બોધાન ગામ બાનમાં લઇ લીધુ હતુ. હડકાયેલા કુતરાએ એક વૃદ્ધ સહિત 5 લોકો પર ઘાતક હુમલો કરી દીધો હતો, હુમલા બાદ આ તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, હાલમાં આ પાંચેયને બોધાન પી.એચ.સી.માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, કુતરાના આતંકથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ બાદમાં હડકાયલા કુતરાને મોતને ઘાટ ઉતારી દીધુ હતુ.
આ પહેલા સુરતમાં 18 વર્ષીય યુવતીનું હડકવાથી મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેર વિસ્તારમાં છ મહિના પહેલા કૂતરું કરડતા હડકવાના કારણે 18 વર્ષીય યુવતીનું મોત થયું હતું. છ મહિના પહેલા રખડતા કૂતરાએ યુવતીને બચકુ ભર્યું હતું. જેના કારણે તેને હડકવાની અસર થઇ હતી. બાદમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જોકે પરિવારજનો ચાલુ સારવાર છોડીને તેને ભૂવા પાસે લઇ ગયા હતા. આખરે સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.
આ પહેલા મે મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો હતો. દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ૩ વર્ષના બાળકને શ્વાનના ટોળાએ ફાડી ખાતાં અરેરાટી મચી ગઈ છે. ગઈકાલે બપોરે બાળક વાડીમાં રમતું હતું તે દરમિયાન ઘટના બની હતી. એક સાથે પાંચ છ સ્વાનના ટોળાએ બાળક પર હુમલો કરી ફાડી ખાધું હતું. દામનગરના ઢસા રોડ પર આવેલ વાડીએ ઘટના બની હતી. જેના કારણે છોટાઉદેપુરના થાંભલા ગામના શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.