સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ
સુરતના ઈચ્છાપુરમાં ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.
સુરતના ઈચ્છાપુરમાં ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. મળતી જાણકારી અનુસાર, સુરતના ઇચ્છાપુરમાં RJD પાર્કમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. આરજેડી પાર્કમાં નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહેતો પરિવાર રાત્રે બે વાગ્યાની આસપાસ બાળકીના રડવાનો અવાજ સાંભળતા જાગી ગયો હતો.
પરિવારે જોયું કે બાળકી લોહીલુહાણ હાલતમાં છે. જેથી તેને તાત્કાલિક 108ની મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા ઈચ્છાપુર પોલીસ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે પરિવારનું નિવેદન લઇ દુષ્કર્મની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે અજાણ્યા વ્યક્તિની શોધ શરૂ કરી હતી.
ચોકલેટ લેવા ગયેલી 11 વર્ષની છોકરીની દુકાનદારે છેડતી કરી
સુરતમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે, ચોકલેટ ખરીદવા દુકાન પર ગયેલી એક નાની છોકરીની દુકાનદાર દ્વારા છેડતી કરાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતા-પિતાની ફરિયાદ બાદ દુકાનદારને છેડતીના આરોપસર પોલીસે ધરપકડ કરી લીધી છે. માહિતી છે કે, સુરતમાં ડિંડોલી વિસ્તારમાં એક નાની 11 વર્ષની છોકરી ચોકલેટ ખરીદવા ડેરી -દુકાન પર ગઇ હતી, આ દરમિયાન 25 વર્ષીય દુકાનદાર- ડેરી માલિકે આ 11 વર્ષની નાની છોકરીને ચોકલેટ આપવાના બદલે તેના શરીર પર હાથ ફેરવીને લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં છોકરી પરત પોતાના ઘરે આવી તે પછી તેને તમામ હકીકત તેના માતા પિતાને જણાવી હતી. આ ઘટના બાદ બાળકીના માતા પિતાએ તરત જ સુરતના ડિંડોલી પોલીસ મથકે બાળકી સાથે ઘટેલી ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડેરી માલિક 25 વર્ષના કમલેશની આ મામલે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના
સુરતમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, અહીં જીમમાં મળેલા યુવક વિરુદ્ધ શહેરના ડીંડોલી વિસ્તારની પરિણીતા સાથે મિત્રતા કેળવી બળાત્કાર કરી ૨૫ લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ અનુસાર, ઈશ્વર પટેલ નામના શખ્સે મકાનના હપ્તા ભરવાના બહાને પરિણીતા પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા, બાદમાં આ શખ્સે પરિણીતાની દીકરી પર પણ દાનત બગાડી હતી, જોકે, બાદમાં સમગ્ર મામલે પરિણીતાને જાણ થઇ જતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, અને પોલીસે આરોપી ઈશ્વરની ધરપકડ કરી લીધી હતી.