(Source: ECI/ABP News/ABP Majha)
SURAT: સુરતમાં ઇન્ટરનેશનલ સટ્ટાબેટિંગનો પર્દાફાશ,4 આરોપીઓની ધરપકડ
સુરત: ડાયમંડ નગરી સુરતમાં ઇન્ટરનેશનલ સટ્ટાબેટિંગનો પર્દાફાશ થયો છે. અલગ અલગ દેશની સ્પોર્ટ્સની ઇવેન્ટ પર સટ્ટો રમવા બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરાયો હતો.
સુરત: ડાયમંડ નગરી સુરતમાં ઇન્ટરનેશનલ સટ્ટાબેટિંગનો પર્દાફાશ થયો છે. અલગ અલગ દેશની સ્પોર્ટ્સની ઇવેન્ટ પર સટ્ટો રમવા બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરાયો હતો. સમગ્ર આર્થિક ગુન્હાને અંજામ આપનારા સુરતના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આર્થિક ગુનાના તપાસમાં દેશભરની જરૂરી એજન્સીઓની મદદ લેવામાં આવી છે. સુરત પોલીસે 47 પાસબુક, 74 સીમકાર્ડ, 53 ડેબિટ કાર્ડ અને 38 આધાર કાર્ડ વગેરે કબ્જે કર્યા છે. બોગસ ભાડા કરારના આધારે ગુમાસ્તધારાનું લાયસન્સ મેળવી પેઢીનું એકાઉન્ટ અને વ્યક્તિગત એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા
ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઉપર રમાતા ઓનલાઇન સટ્ટા બેટિંગના ગેરકાયદે આર્થિક ટ્રાન્જ્કેશનના નેટવર્કનો સુરત ઇકો સેલ દ્વારા પર્દાફાશ કરી કર્યો. ડીંડોલીના રાજમહેલ શોપીંગ સેન્ટરની ત્રણ દુકાનમાં દરોડા પાડી અલગ-અલગ બેંકની 47 પાસબુક, 74 સીમકાર્ડ, 53 ડેબિટ કાર્ડ, 38 આધારકાર્ડ, પાંચ મોબાઇલ ફોન અને લેપટોપ વગેરે સાથે ત્રણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસને મળેલી બાતમીના આધારે ઇકો સેલ અને એસઓજીની ટીમે ડીંડોલીના રાજમહેલ શોપીંગ સેન્ટરની દુકાન નં. 117 માં શીવ એન્ટરપ્રાઇઝ નામે ઓનલાઇન કપડા વેચાણની દુકાન સહિત ત્રણ અલગ-અલગ દુકાનમાં દરોડા પાડયા હતા.
હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા સુનીલ ચૌધરી (ઉ.વ.22 રહે. સુભાષનગર, લિંબાયત અને મૂળ. પાચોરા, જિ. જલગાંવ) અને રૂષીકેશ અધિકાર શિંદે (ઉ.વ. 25 રહે. ગંગોત્રી સોસાયટી, ગોડાદરા અને મૂળ. ભિલાલી, શિવાજી ચોક, ધુલીયા, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડી તેમની પાસેથી ત્રણ મોબાઇલ કબ્જે લીધા હતા. પોલીસે એક પછી એક ત્રણેય દુકાનમાં સર્ચ કરતા ઇન્ડુસન્ડ બેંકની 23, ફેડરલ બેંકની 5, એક્સીસ બેંકની 2, આઇડીએફસી બેંકની 4, એ.યુ. સ્મોલ ફાઇનાન્સ બેંકની 2 અને ધ ફાઇનાન્સીયલ કો. ઓ. બેંકની 1 પાસબુક, વીઆઇ કંપનીના 39 સીમકાર્ડ, જીયો કંપનીના 13 અને એરટેલ કંપનીના 22 સીમકાર્ડ, અલગ-અલગ બેંકના 53 ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા.
આ ઉપરાંત ઋષીકેશનો પરંતુ અલગ-અલગ નામના 16 સહિત કુલ 38 જેટલા આધારકાર્ડ તથા જુદા-જુદા નામના 16 ભાડા કરાર મળી આવતા પોલીસ ટીમ ચોંકી ગઇ હતી. પોલીસ પૂછપરછમાં હરીશ અને ઋષીકેશને હુઝેફા કૌસર મકાસરવાળાના ઇશારે જેથી જુદા-જુદા વ્યક્તિના નામે બોગસ ભાડા કરાર બનાવી તેના આધારે ગુમાસ્તા ધારા હેઠળ ડમી પેઢી નામે લાયસન્સ મેળવી બેંક ખાતા ખોલાવવા ઉપરાંત સીમકાર્ડ મેળવવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસ હુફેઝાની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં હુફેઝાએ કબૂલાત કરી હતી કે યુધ્ધગ્રસ્ત યુક્રેન ખાતેથી એનઆરઆઇ કિશન અને અમીત નામની વ્યક્તિ દ્વારા ઇન્ટરનેશનલ લેવલે ઓપરેટ કરવામાં આવતા ક્રિકેટ સટ્ટા બેટિંગ કે જેના માટે CBTF247.com અને T20 Exchange.com નામની વેબસાઇટ થકી રમાતા સટ્ટાની ગેરકાયદે લેવડ-દેવડ કરવા માટે બોગસ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોવાની કબૂલાત કરી હતી.