Surat News: કુમાર કાનાણીએ ફરી બાયો ચઢાવી, સુરતમાં દબાણ ખાતાના અધિકારીઓ સામે કર્યા ગંભીર આક્ષેપ
સુરત: વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ દબાણો દૂર કરવાને લઈ સંકલનની બેઠકમાં ઉગ્ર રજૂઆત કરી છે. કુમાર કાનાણીએ આરોપ લગાવ્યો છે કે વરાછા ઝોન દબાણ ખાતાના અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં છે.
સુરત: વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ દબાણો દૂર કરવાને લઈ સંકલનની બેઠકમાં ઉગ્ર રજૂઆત કરી છે. કુમાર કાનાણીએ આરોપ લગાવ્યો છે કે વરાછા ઝોન દબાણ ખાતાના અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં છે. એકને ગોળ અને બીજાને ખોળ જેવી કામગીરી વરાછા ઝોન દબાણખાતા દ્વારા કરવામાં આવે છે. દબાણ ખાતાના અધિકારીઓ એક જગ્યાનું દબાણ હટાવી તરત સામાન આપી દે છે જયારે બીજોનો સામાન આપતા નથી. કેરીના જથ્થાનો સામાન દબાણ ખાતા વાળા લઈ ગયા જેમાં ઓળખાણ ધરાવતા લોકોના પરત કરાય જયારે વગર લાગવગ વાળાની કેરી છોડતા નથી. મનપા ખાતે ધારાસભ્ય- સાંસદની સંકલન બેઠકમાં વરાછાના ધારાસભ્યની રજૂઆત છે.
કુમાર કાનાણીએ વલ્લભાચાર્ય રોડ પર દબાણને મુદ્દે મનપાની કામગીરી પર ભારે પસ્તાળ પાડી હતી. ધારાસભ્ય તરીકે વારંવારની ફરિયાદ છતાં જાહેર રોડ પરના દબાણો મનપાને દૂર કરવામાં પરસેવો પડે છે. રાજમાર્ગને પહોળો કરવામાં કરોડો રૂપિયાની મિલકતોનું સ્વૈચ્છિક ડીમોલિશન કરાવનાર લોકો હવે દબાણો જોઇને રાતાપાણીએ રડી રહ્યા છે. ધારાસભ્યોની ફરિયાદનું કશું ઉપજતું ન હોય તો અમે ફરિયાદ કરવાનું કે રજૂઆત કરવાનું બંધ કરી દઇએ. તેવી ટિપ્પણી સાથે ધારાસભ્ય કાનાણીએ ભારે હોબાળો કર્યો હતો. ઓનલાઇન ફરિયાદ થાય તો દબાણો રોડ પર ન હોય તો પણ દુર કરી દેવાય છે. ન્યુસન્સ છે ત્યાં રાતે લારી જપ્ત કરીને સવારે છોડી દેવાય છે.
સુરત મહાનગર પાલિકામાં ધારાસભ્યો સાથે મળેલી સંકલન બેઠકમાં શહેરમાં ગેરકાયદે દબાણો મુદ્દે પસ્તાળ પડી હતી. જોકે કેટલાક વિસ્તારોમાં દુર કરાતા દબાણોનો સામાન સવારે છોડી દેવાતા ફરી તે જ સ્થળે દબાણો થઇ રહ્યા છે. મ્યુનિ.ની આ નીતિને કારણે દબાણ કરનારાઓની હિંમત વધી રહી છે. સંકલન બેઠકમાં હાજર રહેલા મોટા ભાગના ધારાસભ્યોએ શહેરમાં ગેરકાયદે દબાણની સમસ્યા વધી રહી છે તેના ઉકેલ માટે પાલિકા કડકાઈથી કામગીરી કરે તેવી રજુઆત કરી હતી.
વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ રજૂઆત કરી હતી કે, વલ્લભાચાર્ય રોડ પર ગેરકાયદે દબાણનું ભારે ન્યુસન્સ છે. આ અંગે ફરિયાદ કરવામા આવી તો પાલિકાએ રાત્રી દરમિયાન લારીઓ જપ્ત કરી અને સવારે છોડી પણ દીધી. જો સામાન્ય લોકોની લારી જપ્ત થાય તો ઝીરો દબાણની વાત કરી પાલિકા લારી છોડતી નથી. પણ અહીથી જપ્ત લારીઓ સવારે છોડી દેવાતા દબાણ કરનારાઓની હિંમત વધી છે અને લોકો માટે ન્યુસન્સ ઉભું કરી રહ્યા છે. ધારાસભ્યો દબાણ દુર કરવા માટેની ફરિયાદ કરે તો કામગીરી યોગ્ય કરવામા આવતી નથી પરંતુ જો કોઈ ઓનલાઈન ફરિયાદ કરે અને તે લારી રસ્તા પર ન હોય અને માર્જીનની જગ્યામાં મુકવામાં આવી હોય તો પણ જપ્ત કરી લેવાતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. પાલિકાના આવા વલણના કારણે દબાણની સમસ્યા વધી રહી છે.