(Source: ECI/ABP News/ABP Majha)
Surat: મૃત્યુ બાદ પણ 7 લોકોને નવજીવન આપતો ગયો સુરતનો 9 વર્ષનો ‘આરવ’, એકના એક પુત્રના નિધન બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય
સુરત: શહેરમાં નાનકડા બાળકના અંગદાનની અભૂતપૂર્વ ઘટના બની છે. પૂણા ગામના અંટાળા પરિવારે પોતાના એકના એક ધોરણ-૪ માં અભ્યાસ કરતા માત્ર ૯ વર્ષના બ્રેઈનડેડ બાળકના ૭ અંગોનું દાન કરીને માનવતાની મિસાલ કાયમ કરી છે.
સુરત: શહેરમાં નાનકડા બાળકના અંગદાનની અભૂતપૂર્વ ઘટના બની છે. પૂણા ગામના અંટાળા પરિવારે પોતાના એકના એક ધોરણ-૪ માં અભ્યાસ કરતા માત્ર ૯ વર્ષના બ્રેઈનડેડ બાળકના ૭ અંગોનું દાન કરીને માનવતાની મિસાલ કાયમ કરી છે. સુરત શહેરના સિમાડા વિસ્તારમાં આવેલી એઈમ્સ (AAIHMS) હોસ્પિટલમાં બે દિવસથી સારવાર લઈ રહેલું બાળક બ્રેઈનડેડ થતા બાળકના પરિવારે તમામ અંગોનું દાન કરવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો. બ્રેઈનડેડ બાળકના હ્રદય, લીવર, બે કિડની, ફેફસા અને બે આંખોના દાન કરી ૭ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે. હ્રદય, અને ફેફસા એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ તેમજ લીવર અને કિડની કે.ડી.હોસ્પિટલ- અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા છે.
મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને સુરતના પૂણા ગામ, યોગીચોક પાસે યોગીદર્શન સોસાયટીમાં રહેતા નયનભાઈ અંટાળા રત્નકલાકાર છે. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા નયનભાઈને સંતાનમાં ૯ વર્ષીય પુત્ર આરવ હતો. આરવ તેમનો એકનો એક પુત્ર હતો. ગત તા.૧૯મી એપ્રિલના રોજ રમતા-રમતા આરવને માથાના ભાગે ઈજા થઈ હતી. જેથી પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે કામરેજની વાત્સલ્ય હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ફરજ પરના ડો.હિતેષ કલસરિયાએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની ઈજાની ગંભીરતા સમજી સિમાડા ખાતે આવેલી એઈમ્સ (AAIHMS) મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રિફર કર્યા હતા.
અહીં ન્યુરોસર્જન તબીબોની ટીમના ડો.મૌલિક પટેલ, ડો.દિપેશ કક્કડ, ડો.હિતેષ ચિત્રોડાએ સારવાર શરૂ કરી. તેમણે બાળકનો જીવ બચાવવા આઈ.સી.યુ.માં ખસેડી તાત્કાલિક બ્રેઈન ઓપરેશન કર્યું. ન્યુરોસર્જન, આઈ.સી.યુ. તબીબી ટીમની મહેનત છતાં ઈશ્વરની મરજી આગળ કોઈનું ન ચાલતા આખરે ત્રણ દિવસ બાદ તા.૨૨મીની રાત્રે આરવને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો. બાળકના મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ હોવાથી બાળકના જ પરિવારમાંથી આવતા ડો.ચતુરભાઈ ડોબરિયા તેમજ એઈમ્સ હોસ્પિટલના ડો.જિજ્ઞેશ ધામેલીયા અને ડો. હિતેષ ચિત્રોડાએ પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી હતી.
વ્હાલસોયા પુત્રને ગુમાવનાર માતાપિતા કિરણબેન અને નયનભાઈ સહિત શોકાતુર અંટાળા પરિવારે ભારે હૈયે અંગદાન કરવાનો માનવતાસભર અને હિંમતભર્યો નિર્ણય કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, અંગદાન વિશે અખબારો અને ન્યુઝચેનલોમાં ઘણી વખત વાંચ્યું અને જોયું છે. અંગદાનથી અન્ય લોકોને જીવનદાન મળે છે એવી અમને સામાન્ય સમજ છે. અમારો આરવ આ દુનિયામાં નથી રહ્યો, પણ અંગદાન કરવાથી તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતો હોય તો એનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે? એમ જણાવી આરવના શક્ય હોય તે તમામ અંગોનું દાન માટે આગળ વધવા સંમતિ આપી હતી.
દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બનનાર આ પરિવારની સંમતિ મળતા સુરતી ડોનેટ લાઈફ સંસ્થાના નિલેશભાઈ માંડલેવાલાના સહયોગથી સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. જેમાં બે અલગ-અલગ હોસ્પિટલોની ટીમ આજ રોજ સિમાડાની એઈમ્સ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ આવી પહોંચી હતી. હ્રદય, અને ફેફસા એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ તેમજ લીવર અને કિડની કે.ડી.હોસ્પિટલ- અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. વડોદરા સુરત શહેર પોલીસ, ટ્રાફિકના અધિકારીઓ, પોલીસકર્મીઓએ અંગો લઈ જવા બે-બે ગ્રીન કોરિડોર બનાવી ઉમદા સહયોગ આપ્યો હતો. ‘સ્વ.આરવના અંગોના દાનથી ૭ દર્દીઓના જીવનમાં ગુંજારવ થશે. નાનકડો આરવ મૃત્યુ બાદ પણ અંગદાન થકી માનવતાની મહેંક ફેલાવતો ગયો.