Surat : ડોક્ટર યુવતીએ કેમ કરી લીધો આપઘાત, જાણો સૂસાઇડ નોટમાં શું થયો ધડાકો?
રેસિડેન્ટ તબીબના આપઘાત પાછળનું હાલ કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે, હવે ડો. જીગીશાની સૂસાઇડ નોટ મળી આવી છે. સૂસાઇડ નોટમાં મરજીથી આપઘાત કરે છે કોઈ જવાબદાર નથી તેવો ઉલ્લેખ કર્યો છે.
સુરતઃ સ્મીમેર હોસ્પિટલની ડોક્ટર યુવતીએ ઈન્જેક્શનના ઓવરડોઝ લઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ક્વાર્ટરના રૂમમાંથી રેસિડેન્ટ તબીબ જીગીશા પટેલની લાશ મળી આવી હતી. રેસિડેન્ટ તબીબના આપઘાત પાછળનું હાલ કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે, હવે ડો. જીગીશાની સૂસાઇડ નોટ મળી આવી છે. સૂસાઇડ નોટમાં મરજીથી આપઘાત કરે છે કોઈ જવાબદાર નથી તેવો ઉલ્લેખ કર્યો છે.
સ્મીમેર હોસ્પિટલમાં ગણગણાટ છે કે સિનિયર્સનો ત્રાસના કારણે આપઘાત કર્યો છે. મહિના અગાઉ સિનિયર્સના ત્રાસના કારણે ઘરે જતી રહી હતી. જોકે, મિત્રોના કહેવાથી ડોક્ટર જીગીશા ફરજ પર હાજર થઈ હતી. એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો વધુ પડતો ડોઝ લઈ આપઘાત કર્યો હતો. મૂળ મહુવાના કરચેલીયા ગામની 26 વર્ષીય જીગીશા કનુભાઈ પટેલ સુરતની સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતી હતી. જીગીશા પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી અને ગાયનેક વિભાગમાં કામ કરતી હતી. જીગીશા સ્મીમેરની ક્વાર્ટરના કે બ્લોકમાં રહેતી હતી.
આપઘાત કરનાર જીગીશાના માતા પિતા બંને શિક્ષક છે. પરિવારમાં બે બહેનો છે. એક બહેન ઈન્ટર્નશીપ કરી રહી છે. જીગીશાએ આપઘાત પહેલા પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. આ પછી જીગીશાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ગાયનેક વિભાગની રેસિડેન્ટ તબીબ જીગીશાએ રાતથી જ પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો.
પરિવારને ફોન સ્વીચઓફ કર્યો હોવાની સવારે ખબર પડતા માતા જ્યારે સ્મીમેર ક્વાર્ટરમાં પહોંચી તે પહેલાં જ તેણીને ફાળ પડી હતી. દીકરી જીગીશાને મૃત હાલતમાં જોઈ ત્યારે તેને હૈયાફાટ રૂદન કર્યું હતું. શનિવારે રાત્રે પિતા કનુભાઈએ જીગીશા સાથે વાત કરી ત્યારે તેણીએ પિતાને કોઈ વાત પણ ન કહી અને તેણી આવું પગલુ ભરવાની હોય તેવી ભાળ પણ થવા દીધી ન હતી.
Ahmedabad : DJ પાર્ટીમાં જઈ રહેલી યુવતી પર યુવકે કરી દીધો છરીથી હુમલો, કોણ છે આ યુવક અને કેમ કર્યો હુમલો?
અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં પૂર્વ પ્રેમીએ યુવતી પર છરીથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી ઓફીસનાં મિત્રો સાથે ડી જે પાર્ટીમાં જતા રસ્તામાં યુવતી અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો. તે એવા લોકો માટે મને છોડ્યો કહીને યુવતી પર હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, વચ્ચે છોડાવા પડેલા મિત્રને પણ છરીના ઘા માર્યા હતા. નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં યુવક સાથે મિત્રતા હતા અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, પ્રેમી શંકાશીલ અને ગુસ્સાવાળો હોવાથી ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ કરી લીધું હતું. દરમિયાન શનિવારે યુવતી ઓફિસના મિત્રો સાથે ડીજે પાર્ટીમાં જઈ રહી હતી, ત્યારે પૂર્વ પ્રેમી રસ્તામાં મળી ગયો હતો. તેમજ અન્ય યુવક સાથે જોઇને ઉશ્કેરાઈ ગયો હતો.
એક્ટિવા ઊભું રખાવી યુવતીને આ તારો બોયફ્રેન્ડ છે? તે આવાં છોકરાં માટે મને છોડી દીધો? આવું કહીને યુવતીને છરીના ઘા મારી દીધા હતા. તેમજ વચ્ચે પડેલા યુવકને પણ છરીના ઘા મારી દીધા હતા. બંનેને ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાયા હતા. યુવતીએ પૂર્વ પ્રેમી વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.