Vadodara: નકલી પોલીસ બની સ્પામાં રેડ પાડી, અસલી પોલીસ આવી પહોંચતા થઈ જોવા જેવી
વડોદરામાં નકલી પોલીસે સ્પામાં રેડ કરી હતી. જ્યાં અસલી પોલીસ પહોંચી જતા જોવા જેવી થઈ હતી. શહેરના જેતલપુર રોડ પર ગુજરાત કિડની હોસ્પિટલની બાજુના કોમ્પ્લેક્ષમાં તુર્કીશ સ્પામાં ત્રણ વ્યક્તિઆવ્યા હતા.
વડોદરા: વડોદરા શહેરમાં નકલી પોલીસે સ્પામાં રેડ કરી હતી. જ્યાં અસલી પોલીસ પહોંચી જતા જોવા જેવી થઈ હતી. શહેરના જેતલપુર રોડ પર ગુજરાત કિડની હોસ્પિટલની બાજુના કોમ્પ્લેક્ષમાં તુર્કીશ સ્પામાં ત્રણ વ્યક્તિઆવ્યા હતા. પોતાને પોલીસ ગણાવી મેનેજરની પૂછપરછ કરી હતી. ત્રણેય વ્યક્તિઓએ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપી હતી.
નકલી પોલીસે સ્પાના મેનેજર પાસેથી રજીસ્ટર, મહિલા કર્મચારીઓના ઓળખ કાર્ડ અને રહેઠાણ વિશે પૂછપરછ કરવા લાગ્યા હતા. આ દરમિયાન મેનેજરને સ્પાના માલિક વિશે પૂછપરછ કરતા મેનેજરના ફોનથી સ્પા માલિક સાથે વાત કરી હતી. ફોન પર પણ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપતા સ્પા માલિકને શંકા જતા તુરંત જ અકોટા પોલીસને જાણ કરી હતી.
થોડા સમયમાં જ અકોટા પોલીસનો સ્ટાફ સ્પા પર પહોંચ્યો હતો.જ્યાં તેમણે દિલ્હી પોલીસ બનીને આવેલા ત્રણેય શખ્સોની પૂછપરછ કરી હતી.તેઓ પાસે પોલીસ હોવાના કોઈ પુરાવા કે ઓળખકાર્ડ મળી આવ્યું ન હતું.
વડોદરા પોલીસે ત્રણેયની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.સ્પા માલિક સાથે ફોન પર વાત કરનાર વ્યક્તિનું નામ અનિલ મનુભાઈ રાવળ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેના બે સાગરીતો શાકિર કાદરભાઈ મણિયાર તેમજ જતીન હર્ષદભાઈ માસ્તરની ઓળખ થઈ હતી. ત્રણેય આરોપીઓ મૂળ વડોદરાના રહેવાસી હતા અને પોલીસનો સ્વાંગ રચીને સ્પા સંચાલક ને ધમકાવી રૂપિયા કઢાવવાની ફિરાકમાં હતા. અકોટા પોલીસે સ્પા સેન્ટરના મેનેજરની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.