ગુજરાતના પૂર્વ મંત્રીનો ચોંકાવનારો ખુલાસોઃ કોરોનાકાળમાં ડોક્ટરો 1880 કરોડ રૂપિયા કમાયા, ડોક્ટરો પર કેમ થાય છે હુમલો?
ડોક્ટરો પર વારંવાર કેમ હુમલા થાય છે તે ખૂદ ડોક્ટરોએ વિચારવું પડશે. જે ડોક્ટરો વાણી-વિલાસ કરે છે, જે ડોક્ટરો આડેધડ બિલ વલૂસે છે તેનાથી જનતા ઉશ્કેરાય છે.
વડોદરાઃ માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કોરોના કાર્યકાળને લઈ ડોક્ટરો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો 1880 કરોડ કમાયા છે. શહેરની 160 ખાનગી હોસ્પિટલમાં 37602 કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અપાઈ.દર્દી દીઠ સરેરાશ પાંચ લાખ ખર્ચ ગણતા આંકડો 1880 કરોડ થાય.
યોગેશ પટેલે કહ્યું કે, કોરોનાકાળમાં વડોદરાના ડોક્ટરોએ સરેરાશ પાંચ લાખ રૂપિયા દર્દીઓ પાસેથી વસૂલ્યા,. કોરોનાકાળમાં વડોદરાના ડોક્ટરો, હોસ્પિટલોએ 1850 કરોડ રૂપિયા દર્દીઓ પાસેથી વસૂલ્યા. ડોક્ટરો માનવતા ભૂલ્યા હોવાનો અને દવાઓ-લેબોરેટરીમાં કમિશન વસૂલતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ડોક્ટરો પર વારંવાર કેમ હુમલા થાય છે તે ખૂદ ડોક્ટરોએ વિચારવું પડશે. જે ડોક્ટરો વાણી-વિલાસ કરે છે, જે ડોક્ટરો આડેધડ બિલ વલૂસે છે તેનાથી જનતા ઉશ્કેરાય છે.
તેમણે કહ્યું કે, અનેક દર્દીઓના હોસ્પિટલના બિલ 2 થી 40 લાખ થયા. કોરોનાકાળ વખતે ઝુંબેશ ચલાવી સારવારની ફી અડધી ન કરાવી હોત તો ડોક્ટરો 3500 કરોડ ઠોકી ગયા હોત. ડોક્ટરોની નિષ્કાળજીથી મોત થયેલા દર્દીઓના પરિવારને શુ વળતર મળ્યું છે ? ખાનગી હોસ્પિટલના સંચાલકોએ લોનો પુરી કરી ફોરેનની મોંઘીદાટ ગાડીઓ વસાવી, ફાર્મ હાઉસ ઉભા કર્યા.