Shootout in US: અમેરિકાના વોશિંગ્ટનમાં ફાયરિંગ, એકનું મોત, છ ઇજાગ્રસ્ત
અમેરિકામાં આ દિવસોમાં ફાયરિંગની ઘટનાઓ સામાન્ય બની રહી છે. જેના કારણે ત્યાં રહેતા લોકોની સુરક્ષાને લઈને ઘણી ચિંતા ઉભી થઈ છે
Shootout in Washington: અમેરિકામાં આ દિવસોમાં ફાયરિંગની ઘટનાઓ સામાન્ય બની રહી છે. જેના કારણે ત્યાં રહેતા લોકોની સુરક્ષાને લઈને ઘણી ચિંતા ઉભી થઈ છે. તાજેતરના કિસ્સામાં વોશિંગ્ટનના રેન્ટન સિટી (Renton City) માં શનિવારે સવારે ગોળીબારની ઘટના વિશે માહિતી પ્રાપ્ત થઈ છે. ફાયરિંગ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય છ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
સીએનએનના અહેવાલ મુજબ શનિવારે સવારે રેન્ટનના સિએટલ ઉપનગરમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેન્ટન પોલીસ પ્રવક્તા સાન્દ્રા હૈવલિકના જણાવ્યા અનુસાર, આ ઘટના રેન્ટન શહેરમાં સ્થાનિક સમય મુજબ સવારે 1 વાગ્યા પહેલા બની હતી.
સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થયું હતું
રેન્ટન પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળે પહોંચીને તેઓએ ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જેનું સારવાર દરમિયાન ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલમાં અન્ય છ પીડિતોને પણ ગોળી વાગી છે, જેમની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
આ વર્ષે અમેરિકામાં ફાયરિંગની 302 ઘટનાઓ બની
એક રિપોર્ટ અનુસાર, આ વર્ષે સમગ્ર અમેરિકામાં ફાયરિંગની 302 થી વધુ ગોળીબારની ઘટનાઓ બની છે. અમેરિકામાં ફાયરિંગની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ જો બાઇડને બાળકો અને પરિવારોની સુરક્ષા માટે હથિયારો ખરીદવા અથવા પ્રતિબંધિત કરવા માટે વય 18 થી વધારીને 21 કરવાની જરૂરિયાત પર આહવાન કર્યું છે.
નોંધનીય છે કે 24 મેના રોજ ટેક્સાસના ઉવાલ્ડેમાં રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં 19 બાળકો સહિત અનેક લોકો માર્યા ગયા હતા. 1 જૂનના રોજ, ઓક્લાહોમાના તુલસા સિટીમાં એક હોસ્પિટલના કેમ્પસમાં ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા.