પુતિન કોઈને ન ગાંઠે.... ટ્રમ્પની ધમકીનો રશિયાએ કર્યો ઉલાળ્યો, રાતોરાત યુક્રેન પર હુમલો કરી લાશોના ઢગલા....
યુદ્ધવિરામ વાટાઘાટો પહેલા રશિયાનો જોરદાર હુમલો, અમેરિકાની ચેતવણી.

Russia attacks Ukraine after Trump threat: સાઉદી અરેબિયામાં યુદ્ધવિરામની શક્યતાઓ પર વાતચીત શરૂ થાય તે પહેલાં રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા છે. પૂર્વી યુક્રેનમાં થયેલા આ હુમલામાં ડોનેટ્સક વિસ્તારમાં ડોબ્રોપ્લ્યા શહેર પર થયેલા હુમલામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે ખાર્કિવમાં ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું.
આ હુમલા એવા સમયે થયા છે જ્યારે અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ સાઉદી અરેબિયામાં યુદ્ધ રોકવા માટે વાટાઘાટોની તૈયારી કરી રહ્યા હતા. રશિયાના આ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે જો રશિયા યુદ્ધ ચાલુ રાખશે તો અમેરિકા રશિયા પર નવા બેંકિંગ પ્રતિબંધો અને આયાત જકાત લાદશે. ટ્રમ્પે રશિયા અને યુક્રેન બંને દેશોને યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો શરૂ કરવા પણ કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયા સાથે વાતચીત કરવી યુક્રેન સાથે વાત કરવા કરતાં વધુ સરળ હોઈ શકે છે.
દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરશે. આ બેઠકનો મુખ્ય હેતુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ અને શાંતિ માટે આગળ વધવાનો છે. રશિયાએ તાજેતરમાં યુક્રેનની વીજળી અને ગેસ ઉત્પાદન કરતી જગ્યાઓ પર હુમલાઓ વધારી દીધા છે, જેના કારણે યુક્રેનના ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે રશિયા જાણી જોઈને સામાન્ય નાગરિકોને પરેશાન કરવા માટે આ સુવિધાઓને નિશાન બનાવી રહ્યું છે.
અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફે જણાવ્યું છે કે સાઉદી અરેબિયામાં થનારી વાટાઘાટોમાં યુદ્ધવિરામ અને રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ કરાર માટે રૂપરેખા તૈયાર કરવા પર ચર્ચા થશે. જો કે, યુક્રેનમાં રશિયાના સતત હુમલાઓ અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પર લાદવામાં આવેલા નવા પ્રતિબંધોને જોતા, આ વાટાઘાટોથી કોઈ ચોક્કસ અને સકારાત્મક પરિણામ આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.
નોંધનીય છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન બાદ હવે રશિયાને પણ સીધી ધમકી આપી હતી. તેમણે રશિયાને યુક્રેન સાથે તાત્કાલિક વાટાઘાટો શરૂ કરવા માટે આહ્વાન કર્યું હતું, અને ચેતવણી આપી હતી કે જો યુદ્ધનો અંત લાવવા માટે ઝડપથી પગલાં લેવામાં નહીં આવે તો રશિયા પર આકરા બેંકિંગ પ્રતિબંધો અને ટેરિફ લાદવામાં આવી શકે છે. ટ્રમ્પનું આ કડક નિવેદન યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના વધતા દબાણને દર્શાવતું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં રશિયા અને યુક્રેન બંનેને સંબોધતા કહ્યું હતું કે, "રશિયા જે રીતે યુક્રેનને યુદ્ધના મેદાનમાં ખતમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું, તે જોતા હું રશિયા પર મોટા બેંકિંગ પ્રતિબંધો અને ટેરિફ લાદવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો હતો. જ્યાં સુધી યુદ્ધવિરામ અને શાંતિ માટે કોઈ અંતિમ સમજૂતી પર પહોંચવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રતિબંધો અમલમાં રહેશે. મારી રશિયા અને યુક્રેન બંનેને વિનંતી હતી કે ખૂબ મોડું થાય તે પહેલાં તેઓ તાત્કાલિક વાટાઘાટો માટે સંમત થાય."
આ પણ વાંચો....
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાટાઘાટો કરે'





















