Mexico Shooting: મેક્સિકોમાં પાર્ટી દરમિયાન ફાયરિંગમાં 11નાં મોત, 20 લોકો થયા ઈજાગ્રસ્ત
ઇરાપુઆટોના એક અધિકારી રોડોલ્ફો ગમેઝ સર્વેટ્સે પુષ્ટી કરી હતી કે મૃત્યુઆંક 11 થયો છે, જ્યારે લગભગ 20 અન્ય ઘાયલ થયા છે.

ગેંગસ્ટર ગેંગના ગઢ ગણાતા મેક્સિકોમાં મંગળવારે રાત્રે થયેલા ગોળીબારમાં 11 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે મધ્ય મેક્સિકન શહેર ઇરાપુઆટોમાં મંગળવારે રાત્રે થયેલા ગોળીબારમાં એક કિશોર સહિત ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
ઘાયલ 20 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
હિંસાગ્રસ્ત ગુઆનાજુઆટોમાં એટોર્ની જનરલની ઓફિસે જણાવ્યું હતું કે ગોળીબારથી ઘાયલ 20 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે બુધવારે અગાઉ જણાવ્યું હતું કે પીડિતોમાં બાળકોનો સમાવેશ થાય છે, જોકે એટોર્ની જનરલની ઓફિસે પાછળથી પુષ્ટી કરી હતી કે ફક્ત એક જ વ્યક્તિ ઘાયલ થઈ છે, જે 17 વર્ષનો સગીર છે.
શિનબામે કહ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તપાસ ચાલી રહી છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ગોળીબાર પાર્ટી દરમિયાન થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં લોકો રહેણાંક ઈમારતમાં નાચતા જોવા મળ્યા હતા જ્યારે બ્રેકગ્રાઉન્ડમાં મ્યૂઝિક વાગી રહ્યું હતું ત્યારબાદ ગોળીબાર શરૂ થયો હતો. ઇરાપુઆટોના એક અધિકારી રોડોલ્ફો ગમેઝ સર્વેટ્સે પુષ્ટી કરી હતી કે મૃત્યુઆંક 11 થયો છે, જ્યારે લગભગ 20 અન્ય ઘાયલ થયા છે.
મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે હુમલાની નિંદા કરી અને કહ્યું હતું કે આ કેસની તપાસ ચાલી રહી છે. ગયા મહિને ગુઆનાજુઆટોમાં આવી જ ઘટના બની છે, જ્યારે સાન બાર્ટોલો ડી બેરિયોસમાં કેથોલિક ચર્ચના એક કાર્યક્રમ દરમિયાન સાત લોકોની હત્યા કરવામાં આવી હતી
મેક્સિકો સિટીના ઉત્તરપશ્ચિમમાં સ્થિત ગુઆનાજુઆટો ગુનાહિત જૂથો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મેક્સિકોના સૌથી હિંસક રાજ્યોમાંનું એક બની ગયું છે. અહીં ગેંગ વોર સામાન્ય છે. રાજ્યમાં વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 1435 હત્યાઓ નોંધાઈ છે, જે અન્ય કોઈપણ રાજ્ય કરતા બમણાથી વધુ છે.





















