China : ચીનના વિદેશ મંત્રીને આકાશ ગળી ગયું કે ધરતી? સામે આવ્યું મહિલા કનેક્શન
હવે ન્યૂયોર્ક ટાઈમ્સે ચીનના વિદેશ મંત્રી કિન ગેંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર,કિન ગેંગના ગાયબ થવા પાછળ એક મહિલા સાથેના સંબંધો છે.
Qin Gang missing: છેલ્લા કેટલાક સમયથી ચીનના વિદેશ મંત્રી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ગાયબ છે અને ચીન આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પરંતુ હવે ન્યૂયોર્ક ટાઈમ્સે ચીનના વિદેશ મંત્રી કિન ગેંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર,કિન ગેંગના ગાયબ થવા પાછળ એક મહિલા સાથેના સંબંધો છે.
કિન ગેંગ છેલ્લે 25 જૂને જોવા મળેલા
જાહેર છે કે, ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ ઘણા સમયથી ગાયબ છે. તેઓ છેલ્લે 25 જૂને રશિયન નાયબ વિદેશ પ્રધાન રુડેન્કો એન્ડ્રે યુરીવિચ સાથેની બેઠકમાં જાહેરમાં જોવા મળ્યા હતા. ત્યાર બાદ કઈ ગેંગ જોવા મળી નથી. જો કે ચીને કહ્યું છે કે, તે તેમની તબિયતની સમસ્યાને કારણે ગાયબ છે. હોંગકોંગના એક અખબારે અહેવાલ આપ્યો હતો કે, કિન ગેંગ કોવિડને ચેપ લાગ્યો છે.
શા માટે કિન ગેંગ ગુમ છે?
આ દરમિયાન કિન ગેંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અહેવાલ અનુંસાર, કિન ગેંગના ગાયબ થવાનું કારણ એક મહિલા પત્રકાર સાથેના લગ્નેતર સંબંધો જણાવવામાં આવી રહ્યું છે. કિન ગેંગ હોંગકોંગ સ્થિત ફોનિક્સ ટીવી રિપોર્ટર, ફુ ઝિયાઓટીયન સાથેના લગ્નેતર સંબંધને કારણે ગુમ છે. તાજેતરમાં, ટ્વિટર પર કિંગ ગેંગ અને મહિલા રિપોર્ટરના વીડિયો અને તસવીરો વાયરલ થઈ હતી.
પત્રકારોએ દાવો કર્યો છે કે, ફુ ઝિયાઓટીયન અમેરિકાની નાગરિક છે અને પરિણીત છે. આ સાથે પત્રકારોએ જણાવ્યું કે, તેને એક બાળક પણ છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચેનલના જાણીતા શો માં જ બંને મળ્યાં હતાં અને ત્યારથી જ બંને વચ્ચે અફેર શરૂ થયું હતું.
શી જિનપિંગ ચિંતિત
આ મામલાને લઈને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ચિંતા વધી ગઈ છે. શી જિનપિંગે અન્ય રાજદ્વારીઓની તુલનામાં કિન ગેંગને વિદેશ પ્રધાનનું પદ સોંપ્યું હતું, પરંતુ હવે કિન ગેંગ વિશેની અફવાઓને દબાવવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. કારણ કે, ચીનના વિદેશ મંત્રીના ગાયબ થવાથી શી જિનપિંગ પર જ સવાલો ઉભા થઈ રહ્યા છે.
જાહેર છે કે, કિન ગેંગ જકાર્તામાં આસિયાન બેઠકમાં ભાગ લેવાના હતા. પરંતુ તેમના ગાયબ થવાના કારણે, હવે ટોચના ચીની રાજદ્વારી વાંગ યી આ બેઠકમાં ભાગ લેશે.