Chinese Balloon : ચીની બલૂનનો 'ફૂગ્ગો ફૂટતા' દુનિયામાં મચી સનસની, હાઈપરસોનિક મિસાઈલ છોડ્યાનો ખુલાસો
હવે એ પણ બહાર આવ્યું છે કે, જાન્યુઆરી 2022માં ચીને ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ પર એક વિશાળ જાસૂસી બલૂન ઉડાવ્યો હતો.
High Altitude Balloon : અમેરિકામાં ચીનના જાસૂસી બલૂનને તોડી પાડવામાં આવ્યા બાદ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. હવે ચીનના આ ગુપ્ત ગુબ્બારાને લઈને નવા નવા ખુલાસા થતા દુનિયા અચંભામાં પડી ગઈ છે. હવે ખુલાસો થયો છે કે, આ અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન પણ ચીને અમેરિકા પર જાસૂસી બલૂન ઉડાડ્યો હતો. હવે એ પણ બહાર આવ્યું છે કે, જાન્યુઆરી 2022માં ચીને ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ પર એક વિશાળ જાસૂસી બલૂન ઉડાવ્યો હતો.
ચીને જ્યારે આ ગુબ્બારો ઉડાડ્યો ત્યારે ભારતની ત્રણેય સેના આંદામાન અને નિકોબારમાં યુદ્ધ અભ્યાસ કરી રહી હતી. જે એક ગંભીર ઘટના કહી શકાય. આ ઉપરાંત એક હચમચાવી મુકતો વીડિયો પણ સામે આવ્યો છે. ચીનનો વર્ષ 2018નો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં ડ્રેગનની સેના ખૂબ જ ઊંચાઈ પર ઉડતા બલૂનની મદદથી હાઈપરસોનિક મિસાઈલ દાગી રહી હોવાનું જણાય છે. જેને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે કે, ચીનની આ ગુબ્બારા ટેક્નોલોજી દુનિયા આખી માટે મોટો ખતરો બની શકે છે.
ડિફેન્સ અફેર્સની પ્રખ્યાત વેબસાઈટ ધ ડ્રાઈવના રિપોર્ટ અનુસાર ચીન પોતાના હાઈપરસોનિક મિસાઈલ પ્રોગ્રામને ઝડપથી વધારી રહ્યું છે. હવે તાજેતરના વિડિયોમાં જોવા મળે છે કે ચીન હાઈ-એલ્ટિટ્યૂડ બલૂનની મદદથી હાઈપરસોનિક ગ્લાઈડ વાહનના કદના પેલોડને છોડવાની પ્રેક્ટિસ કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ સાઇઝનું પેલોડ ચીનની હાઇપરસોનિક મિસાઇલ જેવું જ છે. ચીન આવી હાઈપરસોનિક મિસાઈલ બનાવવા પર લાંબા સમયથી કામ કરી રહ્યું છે.
A test using high-altitude balloon to launch the flight vehicle has been successfully performed, allegedly, this was exactly the test which closed a large area of airspace in the Northwest of China. pic.twitter.com/YrlG7ca7du
— dafeng cao (@dafengcao) September 21, 2018
હાયપરસોનિક શસ્ત્રો માટે દુનિયાભરમાં ચાલી રહી છે રેસ
અહેવાલમાં ધ ડ્રાઈવે જણાવ્યું હતું કે, આટલી ઊંચાઈએ ઉડતા બલૂનની મદદથી હાઈપરસોનિક બૂસ્ટ ગ્લાઈડ વાહનનું પરીક્ષણ કરવું ખૂબ જ તાર્કિક છે અને ડેટા મેળવવાની ટેસ્ટિંગની ઉત્તમ રીત છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, બલૂન ત્રણ ગ્લાઈડ વાહનો લઈને જઈ રહ્યો છે. બે એક જ પ્રકારની છે અને ત્રીજો અલગ ડિઝાઇનનો છે. ચીન અવારનવાર તેની શૈક્ષણિક સંસ્થાઓના સંશોધન અને વિકાસ કાર્યને સૈન્ય સાથે શેર કરે છે.
જ્યારે ચીન તેની સેના સાથે સંબંધિત કોઈપણ હથિયાર અથવા પ્રોજેક્ટ પર સંપૂર્ણપણે મૌન રહે છે. તેમણે કહ્યું હતું કે, ચીન આપણને એ જ બતાવે છે જેને તે પોતાને બતાવવા માંગતુ હોય. ચીને આ વીડિયો ખરેખર ક્યાં બનાવ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ચીન પાસે હાલમાં WU-14 હાઇપરસોનિક બૂસ્ટ ગ્લાઇડ વાહન છે, જેને તે ઝડપથી વિકસાવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, આગામી કેટલાક વર્ષોમાં તેને સંપૂર્ણપણે વિકસાવી લેવામાં આવશે. રિપોર્ટ અનુસાર, આ બાબત દર્શાવે છે કે હાઈપરસોનિક હથિયારોને લઈને દુનિયામાં એક મોટી રેસ ચાલી રહી છે. જેમાં અમેરિકા, રશિયા અને ચીન ત્રણેય મળીને અવાજ કરતા 5 ગણી વધુ ઝડપે મિસાઈલ બનાવવા માંગે છે.