Corona ઈટાલીમાં એક દિવસમાં 1000 લોકોને ભરખી ગયો, જાણો શું કારણ છે આની પાછળ જવાબદાર
ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોનાથી 9000થી વધુ લોકોના મોત થયા છે. શુક્રવારે જ અહીંયા આશરે 1000 લોકોને કોરોના ભરખી ગયો હતો.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે, પરંતુ અમેરિકા અને ઈટાલીમાં દરરોજ મોતના આંકડા વધી રહ્યા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોનાથી 9000થી વધુ લોકોના મોત થયા છે. શુક્રવારે જ અહીંયા આશરે 1000 લોકોને કોરોના ભરખી ગયો હતો.
ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ છે હેરાન
ઈટાલીમાં આટલા ઊંચા મૃત્યુદરને લઈ વૈજ્ઞાનિકો અને ડોક્ટર પણ હેરાન છે. કોરોના વાયરસની મહામારીના કારણે લોકો તેમના પ્રિયજનોને અંતિમ વિદાય પણ આપી શકતા નથી. ઉપરાંત હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા આવતા લોકો પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
અહીંયા થઈ મોટી ચુકને ભોગવ્યું પરિણામ
એક રિપોર્ટ પ્રમાણે, ઈટાલીના મુખ્ય શહેરોમાં જ્યાં સુધી લેબ બનાવવામાં આવી અને તેના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા ત્યાં સુધીમાં સંક્રમણે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું. જ્યારે નાના શહેરોમાં હજુ પણ સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવી રહી નથી. જેના કારણે મૃત્યુઆંક પર કાબૂ મેળવી શકાતો નથી.
આ કારણે પણ વધી રહ્યો છે મૃત્યુઆંક
ઈટાલી તેની શાનદાર મેડિકલ સુવિધાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીંયા કોરોના વાયરસનો પ્રથમ મામલો 31 જાન્યુઆરીએ રોમમાં સામે આવ્યો હતો. પરંતુ દેશમાં લોકડાઉન 10 માર્ચે લાગુ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાંના લોકોએ ગંભીરતાથી ન લીધું અને શહેરોમાં લોકો આરામથી શોપિંગ કરતા હતા. રેસ્ટોરાંમાં પરિવાર સાથે જમવા નીકળતા હતા, બાર અને ક્લબ, લેટ નાઇટ પાર્ટી કરતા રહ્યા, માર્કેટમાં ફરતા રહ્યા પરિણામે વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધતી ગઈ.