ટ્રમ્પે ફોન પર પીએમ મોદીને એવું શું કહ્યું કે ભડક્યા! અમેરિકા સાથે બગડતા સંબંધો પર ન્યૂયોર્ક ટાઈમ્સનનો મોટો ખુલાસો
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં આવેલા તણાવ પાછળના કારણો પર ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાના નિર્ણય બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, આ તણાવનું મૂળ કારણ ટ્રમ્પની એક અસામાન્ય માંગ હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે જૂનમાં ફોન પર PM મોદીને તેમના નામનું નોબેલ પુરસ્કાર માટે નોમિનેશન કરવાની વિનંતી કરી હતી. આ માંગથી PM મોદી નારાજ થયા હતા, અને ત્યાર પછી જ ટ્રમ્પે ભારત પર આકરા ટેરિફ લાદ્યા હોવાનું મનાય છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, 17 જૂન, 2025 ના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન ટ્રમ્પે તેમની ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં મધ્યસ્થીના બદલામાં તેમને નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જણાવ્યું હતું. આ માંગને પગલે PM મોદી ગુસ્સે થયા અને તેમણે સ્પષ્ટ કર્યું કે આ યુદ્ધવિરામમાં અમેરિકાનો કોઈ હાથ નહોતો. આ ઘટના બાદ બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી અને થોડા અઠવાડિયા પછી જ ટ્રમ્પે ભારત પર 50% સુધીનો ટેરિફ લાદી દીધો, જેનાથી વેપારી સંબંધોમાં મોટો ફટકો પડ્યો.
ટ્રમ્પની માંગ
અહેવાલ મુજબ, 17 જૂને રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીને ફોન કરીને લગભગ 35 મિનિટ સુધી વાત કરી હતી. આ વાતચીતનો મુખ્ય મુદ્દો ટ્રમ્પના જણાવ્યા અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ માટે તેમની મધ્યસ્થી હતી. ટ્રમ્પે PM મોદીને કહ્યું કે પાકિસ્તાન તેમને નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જઈ રહ્યું છે, અને તેઓ ભારત પાસેથી પણ આવી જ અપેક્ષા રાખતા હતા.
ટ્રમ્પની આ માંગથી PM મોદી ગુસ્સે થયા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો નિર્ણય બંને દેશો દ્વારા જ લેવામાં આવ્યો હતો અને તેમાં અમેરિકા કે કોઈ ત્રીજા પક્ષનો કોઈ હાથ નહોતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે PM મોદીએ કહેલી આ વાતોને ટ્રમ્પે અવગણી હતી, પરંતુ નોબેલ પુરસ્કાર માટે નોમિનેશન ન મળવાથી તેમના મનમાં કડવાશ ઊભી થઈ.
સંબંધો બગડવાનું કારણ
આ ફોન કોલ બાદ બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. આ ઘટનાના થોડા જ અઠવાડિયા પછી, ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. બાદમાં રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે વધારાનો 25% ટેરિફ લાદવામાં આવ્યો, જે કુલ 50% થયો. આ પગલાથી ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબંધો પર ગંભીર અસર પડી છે.





















