France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: જો કોઈ એક ગઠબંધનને બહુમતી નહીં મળે તો ફ્રાન્સ રાજકીય અને આર્થિક ઉથલપાથલ જોવા મળી શકે છે
France Election: ફ્રાન્સમાં રવિવારે સંસદીય ચૂંટણી માટે બીજા તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ (ચૂંટણી પછીના સર્વે)માં દાવો કરવામાં આવ્યો છે કે નવું ડાબેરી ગઠબંધન સૌથી વધુ બેઠકો જીતી શકે છે. આ સર્વે અનુસાર, રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વ હેઠળનું ગઠબંધન બીજા સ્થાને આવી શકે છે જ્યારે કટ્ટર દક્ષિણ પંથી પક્ષો ત્રીજા સ્થાને આવી શકે છે.
જો કોઈ એક ગઠબંધનને બહુમતી નહીં મળે તો ફ્રાન્સ રાજકીય અને આર્થિક ઉથલપાથલ જોવા મળી શકે છે. ચૂંટણીના અંતિમ પરિણામો આજે આવવાની શક્યતા છે.
ફ્રાન્સની સંસદનો કાર્યકાળ 2027માં પૂરો થવાનો હતો પરંતુ 9 જૂને યુરોપિયન યુનિયનમાં મોટી હાર બાદ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સમય પહેલા સંસદ ભંગ કરીને મોટો જુગાર ખેલ્યો છે. આ મધ્યસત્ર ચૂંટણીના પરિણામ યુરોપિયન નાણાકીય બજારો, યુક્રેન માટે પશ્ચિમી સમર્થન અને વૈશ્વિક લશ્કરી દળો અને પરમાણુ શસ્ત્રાગારોનું સંચાલન કરવાની ફ્રાન્સના વલણો પર નોંધપાત્ર અસર કરે તેવી શક્યતા છે.
નેશનલ એસેમ્બલી પર કોણ નિયંત્રણ કરે છે?
આ ચૂંટણીમાં મતદાન કરવા માટે લગભગ ચાર કરોડ 90 લાખ મતદારો નોંધાયા હતા અને આ ચૂંટણી નક્કી કરશે કે નેશનલ એસેમ્બલી પર કોણ નિયંત્રણ કરશે અને કોણ વડાપ્રધાન બનશે. જો મેક્રોનની પાર્ટીને બહુમતી નહીં મળે તો તેમને તેમની EU તરફી નીતિઓનો વિરોધ કરતા પક્ષો સાથે સત્તા માટે ગઠબંધન કરવું પડી શકે છે.
30 જૂને પ્રથમ તબક્કાની ચૂંટણી
અગાઉ 30 જૂનના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ હતી જેમાં મરીન લે પેનના નેતૃત્વ હેઠળની નેશનલ રેલીએ લીડ મેળવી હતી. ચૂંટણીના પરિણામો અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. અગાઉના સર્વેક્ષણમાં એવી આગાહી કરવામાં આવી હતી કે નેશનલ રેલી 577 બેઠકો ધરાવતી નેશનલ એસેમ્બલીમાં સૌથી વધુ બેઠકો જીતી શકે છે, પરંતુ તે બહુમત માટે જરૂરી 289 બેઠકો જીતી શકશે નહીં.
રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વથી નિરાશ
નેશનલ રેલી જાતિવાદ અને યહુદી વિરોધી ભાવના સાથે જૂનો સંબંધ છે. તથા ફ્રાન્સના મુસ્લિમ સમુદાય માટે પ્રતિકૂળ માનવામાં આવે છે. ઘણા ફ્રેન્ચ મતદારો ફુગાવા અને આર્થિક ચિંતાઓથી ચિંતિત છે. તેઓ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વથી પણ નિરાશ છે. મરીન લે પેનની એન્ટિ-ઇમિગ્રેશન નેશનલ રેલી પાર્ટીએ ચૂંટણીમાં આ અસંતોષનો ફાયદો ઉઠાવ્યો છે. નવું ડાબેરી ગઠબંધન ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ પણ બિઝનેસ સમર્થક મેક્રોન અને તેમના ગઠબંધન ટુગેધર ફોર ધ રિપબ્લિક માટે પડકાર ઊભો કરી રહ્યું છે.