Imran Khan : ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટની મોટી રાહત, તમામ 121 કેસોમાં જામીન
કોર્ટ રૂમ નંબર 3માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન પીટીઆઈ સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઈમરાન ખાનના કેસની સુનાવણી માટે ત્રણ જજોની બેન્ચ હાજર રહી હતી.
Imran Khan got bail : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં હાઈકોર્ટે તેમને બે અઠવાડિયા માટે જામીન આપ્યા હતા. સાથે જ, કોર્ટે ઈમરાન ખાનને કોઈ પણ સંજોગોમાં 17 મે સુધી ધરપકડ ન કરવા આદેશ આપ્યા છે. આમ હાઈકોર્ટે ઈમરાન ખાનને તમામ 121 કેસમાં જામીન આપ્યા છે.
કોર્ટ રૂમ નંબર 3માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન પીટીઆઈ સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઈમરાન ખાનના કેસની સુનાવણી માટે ત્રણ જજોની બેન્ચ હાજર રહી હતી. સુનાવણી પહેલા ઈમરાન ખાન પોલીસ લાઈન્સમાં હાજર રહ્યાં હતાં. ભારે સુરક્ષા વચ્ચે તેને ઈસ્લામાબાદ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદનો શ્રીનગર હાઈવે બંધ કરી દીધો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે અલકાદીર કેસ સહિત તમામ કેસમાં બે સપ્તાહ માટે જામીન આપ્યા છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, 17 મે સુધી ઈમરાન ખાનની કોઈપણ નવા કેસમાં ધરપકડ કરવામાં નહીં આવે. તેમને તમામ કેસમાં જામીન આપવામાં આવ્યા છે. આ પહેલા ઈમરાને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને ખુલ્લેઆમ ચેતવણી આપી હતી.
ઈમરાન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાનના આર્મી ચીફ તેમનાથી ડરે છે. સમગ્ર દેશમાં હિંસા માટે જનરલ મુનીર જવાબદાર છે. તેમણે કહ્યું હતું કે, આ ધરપકડ નથી પરંતુ અપહરણ છે. ઈમરાન ખાને શુક્રવારે ચેતવણી આપી હતી કે જો તેમની ફરી ધરપકડ કરવામાં આવશે તો દેશભરમાં તબાહી મચી જશે.
ઈમરાન ખાન વિરુદ્ધ નોંધાયેલા છે 121 કેસ
અખબાર ડૉનમાં છપાયેલા સમાચાર અનુસાર, ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (તપાસ) લાહોર પોલીસની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. સમાચાર અનુસાર, ઈમરાન ખાન વિરુદ્ધ નોંધાયેલા કેસોની તપાસ કરી રહેલી સંયુક્ત ટીમે ઈસ્લામાબાદ હાઈકોર્ટને જણાવ્યું છે કે, તે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના અધ્યક્ષ ખાનની ધરપકડ કરવા માંગે છે. ગયા વર્ષે એપ્રિલમાં સત્તા પરથી હટાવવામાં આવેલા ખાન પર દેશદ્રોહ, નિંદા, હિંસા અને આતંકવાદને ઉશ્કેરવા સહિતના 121 કેસ નોંધાયેલા છે.
ઈમરાન ખાન વિરુદ્ધ આતંકવાદના 12 કેસ એકલા લાહોરમાં નોંધાયેલા છે જ્યારે અન્ય 14 કેસ ફૈસલાબાદમાં નોંધાયેલા છે. દરમિયાન, 70 વર્ષીય ખાનને કડક સુરક્ષા વચ્ચે ભ્રષ્ટાચારના કેસમાં તેમની જામીન અરજી પર સુનાવણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટની વિશેષ બેંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટની વિશેષ બેંચમાં જસ્ટિસ મિયાગુલ હસન ઔરંગઝેબ અને જસ્ટિસ સામન રફત ઈમ્તિયાઝનો સમાવેશ થાય છે.