13 વિદ્યાર્થિનીઓ સાથે બળાત્કાર, 8 થઈ પ્રેગ્નેટ, શિક્ષકને મળી મોતની સજા
ઇન્ડોનેશિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાંની એક અદાલતે ઇસ્લામિક શાળામાં 13 વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર કરવા બદલ શિક્ષકને મૃત્યુદંડની સજા સંભળાવી છે. આ અગાઉ આ શિક્ષકને આજીવન કેદની સજા થઈ હતી
ઇન્ડોનેશિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાંની એક અદાલતે ઇસ્લામિક શાળામાં 13 વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર કરવા બદલ શિક્ષકને મૃત્યુદંડની સજા સંભળાવી છે. આ અગાઉ આ શિક્ષકને આજીવન કેદની સજા થઈ હતી. જેનો ફરિયાદ પક્ષે વિરોધ કર્યો હતો અને ફાંસીની સજાની માંગણી કરી હતી.
એજન્સીના અહેવાલ પ્રમાણે, આ મામલો એટલા માટે પણ ચર્ચામાં આવ્યો હતો કારણ કે શિક્ષક હેરી વિરાવનના આ કૃત્ય બાદ ઈન્ડોનેશિયામાં ધાર્મિક બોર્ડિંગ સ્કૂલોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા હતા. તો બીજી તરફ, એ વાતને લઈને પણ ચર્ચા શરૂ થઈ કે કેવી રીતે આ બાળકોને શાળામાં સુરક્ષિત રાખી શકાય.
ફેબ્રુઆરીમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા શિક્ષક હેરી વીરાવનને ફેબ્રુઆરીમાં બાંડુંગની શહેરની અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. જે બાદ ફરિયાદ પક્ષે આ કેસમાં ફાંસીની સજા માટે અપીલ કરી હતી. સોમવારે બાડુંગ હાઈકોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટની વેબસાઈટ પર જે નિવેદન જારી કરવામાં આવ્યું છે તેમના કહેવા પ્રમાણે, કોર્ટે કહ્યું, અમે આ કેસમાં આરોપીને ફાંસીની સજા આપીએ છીએ.
જાણો ચુકાદા પર લોકોએ શું કહ્યું
હેરીના વકીલે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. વાસ્તવમાં, તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ મામલે અપીલ કરશે? તો બીજી તરફ, ફરિયાદ પક્ષે પણ એમ કહ્યું કે તેઓ જ્યાં સુધી પુરો આદેશ ન મળે ત્યાં સુધી જ આ મામલે ટિપ્પણી કરશે નહીં. આ ઉપરાંત દેશના બાળ સંરક્ષણ પ્રધાને પણ આ કેસમાં ફાંસીની સજાનું સમર્થન કર્યું હતું. જો કે દેશમાં હાજર માનવ અધિકાર પંચે ફાંસીની સજાનો વિરોધ કર્યો છે. પંચે કહ્યું કે આ વાજબી નથી.
શું છે સમગ્ર ઘટના
2016 અને 2021 ની વચ્ચે, હેરી વિરાવને 12 થી 16 વર્ષની વયની વિદ્યાર્થિનીઓનું જાતિય શોષણ કર્યું હતું. જેમાંથી 8 યુવતીઓ ગર્ભવતી બની હતી. જજે ફેબ્રુઆરીમાં આ વાત કહી હતી. ઈન્ડોનેશિયા વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશોમાંનો એક છે. ત્યાં હજારો ઇસ્લામિક બોર્ડિંગ શાળાઓ અને અન્ય ધાર્મિક શાળાઓ આવેલી છે. જ્યાં ગરીબ પરિવારમાંથી આવતા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.