Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના ઉર્જા મંત્રી કંચના વિજેસેકરાએ શનિવારે ભારતની પ્રશંસા કરી હતી
Sri Lanka Crisis: આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના ઉર્જા મંત્રી કંચના વિજેસેકરાએ શનિવારે ભારતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધી ભારત એકમાત્ર એવો દેશ છે, જેણે આ સંકટમાં શ્રીલંકાને ઘણી વખત મદદ કરી છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું શ્રીલંકા ઈંધણ માટે ચીન અને ભારત જેવા અન્ય દેશોની મદદ લઈ રહ્યું છે? તો તેના તેમણે જવાબ આપ્યો કે અમે મિત્ર દેશો પાસેથી ઈંધણની મદદ માંગી છે, જે પણ દેશ અમારી મદદ માટે આગળ આવશે તેને અમે આવકારીશું.
બાદમાં તેમણે કહ્યું હતું કે આ સંકટના સમયમાં માત્ર ભારત સરકારે જ શ્રીલંકાની ઘણી વખત મદદ કરી છે. તેમણે ઈંધણ સંકટને લઈને પોતાના નિવેદનમાં યુક્રેન, રશિયા અને ભારતનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ ચીનનું નામ લીધું ન હતું.
ઈંધણ લેવા માટે કોઈ પાસ ઈશ્યુ કરવામાં આવ્યો નથી
આ પછી મંત્રી કંચનાને કહેવામાં આવ્યું કે મીડિયા સાથે વાત કરતા એક ક્રિકેટરે કહ્યું કે તેને ઈંધણ મેળવવા માટે લગભગ ચાર કલાક રાહ જોવી પડશે. આના પર તેમને પૂછવામાં આવ્યું કે શું સેના અને પોલીસ માટે કોઈ ખાસ પાસ ઈશ્યુ કરવામાં આવ્યો છે?
તેમણે કહ્યું કે કોઈને પણ ખાસ પાસ આપવામાં આવ્યો નથી. સેના પાસે તેની ઇંધણની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઘણા વિકલ્પો છે. આખા દેશમાં પોલીસ માટે અમારી પાસે એક જ ઈંધણ કેમ્પ છે. અમે પોલીસ માટે વધુ ઇંધણ કેમ્પ ગોઠવવાની ચર્ચા કરી રહ્યા છીએ.
ANIના અહેવાલ મુજબ, કંચના વિજેસેકરાએ કહ્યું, "અમે રશિયન સરકાર સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ. પ્રારંભિક બેઠકો રશિયામાં થઈ છે. અમે અમારી જરૂરિયાતો જણાવી છે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે શ્રીલંકાને કેવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે.
'ભારત શ્રીલંકાની મદદ કરવાનું ચાલુ રાખશે'
ભારતે શનિવારે શ્રીલંકાને ખાતરી આપી હતી કે તે અભૂતપૂર્વ રાજકીય સંકટ અને આર્થિક ઉથલપાથલ વચ્ચે દેશમાં લોકશાહી, સ્થિરતા અને આર્થિક પુનઃપ્રાપ્તિને સમર્થન આપવાનું ચાલુ રાખશે. અગાઉ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે ભારત શ્રીલંકાને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારતે અમને ઘણી મદદ કરી છેઃ શ્રીલંકન ક્રિકેટર
શ્રીલંકાના ક્રિકેટર ચમિકા કરુણારત્નેએ કહ્યું છે કે ભારત એક ભાઈ દેશની જેમ છે અને તેઓ અમને ઘણી મદદ કરી રહ્યા છે. હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે આપણે સમસ્યાઓનો સામનો કરીએ છીએ ત્યારે તેઓ અમને ટેકો આપે છે. આ માટે ભારતનો આભાર.
ANIના રિપોર્ટ અનુસાર, કંચના વિજેસેકરાએ શનિવારે નેશનલ ફ્યુઅલ પાસ સ્કીમ લોન્ચ કરી હતી. તે ઇંધણ રેશનિંગ યોજના છે. આ અંતર્ગત પાસ આપવામાં આવશે. આ પછી આઈડી કાર્ડ બતાવવા પર ડ્રાઈવરને અઠવાડિયામાં બે વાર તેલ આપવામાં આવશે. વાહનના ચેસીસ નંબર અને અન્ય વિગતોની ચકાસણી કર્યા પછી QR કોડ ફાળવવામાં આવશે.