Israel Attack on Syria: ઇઝરાયલે સીરિયા પર કર્યો હુમલો, બે એરપોર્ટને પર સાધ્યું નિશાન, રનવેને ભારે નુકસાન
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે, આ દરમિયાન હવે ઈઝરાયેલે સીરિયાના બે ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવ્યા છે.
Israel Hamas War : ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. આ યુદ્ધ બંને દેશોની સરહદો પાર કરી ગયું છે. વાસ્તવમાં ઈઝરાયેલે સીરિયાના બે ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવ્યા છે. સીરિયાએ દાવો કર્યો છે કે, ઈઝરાયેલે દમાસ્કસ અને અલેપ્પો એરપોર્ટ પર હવાઈ હુમલા કર્યા છે. હુમલામાં રનવેને નુકસાન થયું છે.
હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં તેના સ્થાનોને નિશાન બનાવ્યા છે. યુદ્ધમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી ઇઝરાયલીઓ તેલ અવીવ પહોંચી રહ્યા છે.
સીરિયાના સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, ઈઝરાયેલે રાજધાની દમાસ્કસ અને અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ હુમલા કર્યા છે. હુમલા બાદ રનવેને નુકસાન થયું હતું અને કામ અટકાવી દેવામાં આવ્યું હતું. સ્થાનિક સમાચાર એજન્સી SANAએ અહેવાલ આપ્યો છે કે, લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઇઝરાયેલી સૈન્યએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ઈરાનના વિદેશ મંત્રી સીરિયા જવાના હતા
આતંકવાદી પેલેસ્ટિનિયન જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલમાં ઘાતક હુમલા પછી સીરિયા પર આ પહેલો ઇઝરાયેલ હુમલો છે. તમને જણાવી દઈએ કે ઈરાનના વિદેશ મંત્રી સીરિયાની અસ્થિર સ્થિતિને લઈને અધિકારીઓને મળવા માટે ત્યાં જવાના હતા. આ હુમલો બેઠકના એક દિવસ પહેલા થયો હતો.
ઇઝરાયેલ હથિયારોની શિપમેન્ટ રોકવા માંગે છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇઝરાયેલે લેબનોનના હિઝબુલ્લા સહિત તેહરાન સમર્થિત આતંકવાદી જૂથોને ઇરાનથી હથિયારોની શિપમેન્ટ રોકવા માટે એરપોર્ટ અને બંદરોને નિશાન બનાવ્યા છે. ઈઝરાયેલ સીરિયામાં સરકાર દ્વારા નિયંત્રિત વિસ્તારોમાં સેંકડો હુમલાઓ કરી ચૂક્યું છે.
આ પહેલા પણ અલેપ્પો એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો છે
ઈઝરાયેલે આ વર્ષના ઓગસ્ટના અંતમાં અલેપ્પો એરપોર્ટને પણ નિશાન બનાવ્યું હતું. હુમલામાં એરપોર્ટને ભારે નુકસાન થયું હતું. જો કે, આની જવાબદારી ઇઝરાયેલ દ્વારા લેવામાં આવી નથી.