UK PM Race: બ્રિટનના PMની રેસમાં પાછળ પડ્યા ઋષિ સુનક, હવે આ મહિલા બની શકે છે પ્રધાનમંત્રી
PM પદની આ રેસમાં હવે ઋષિ સુનક પાછળ પડતા દેખાઈ રહ્યા છે. હાલમાં જ થયેલા એક સર્વેમાં વિદેશ સચિવ લિજ ટ્રસ ઋષિ સુનક કરતાં 34 પોઈન્ટ આગળ નીકળ્યાં છે.
UK PM Race: બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી બોરીસ જોન્સને રાજીનામું આપ્યા બાદ ભારતીય મૂળના ઋષિ સુનકને નવા પ્રધાનમંત્રી તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. ત્યારે હવે નવા અપડેટ મુજબ PM પદની આ રેસમાં હવે ઋષિ સુનક પાછળ પડતા દેખાઈ રહ્યા છે. હાલમાં જ થયેલા એક સર્વેમાં વિદેશ સચિવ લિજ ટ્રસ ઋષિ સુનક કરતાં 34 પોઈન્ટ આગળ નીકળ્યાં છે. Yougov દ્વારા થયેલા સર્વેમાં 60 ટકા લોકોએ બ્રિટનના નવા પ્રધાનમંત્રી તરીકે લિજ ટ્રસને તેમની પહેલી પસંદ ગણાવ્યા હતા.
આ સર્વેમાં લિજ ટ્રસને 60 ટકા વોટ મળ્યાં હતાં. જ્યારે ઋષિ સુનકના પક્ષમાં ફકત 26 ટકા વોટ પડ્યા હતા. એટલે કે, જે ઋષિ સુનક પ્રધાનમંત્રી પદના પ્રબળ દાવેદાર તરીકે આગળ ચાલી રહ્યા હતા તે હવે 34 પોઈન્ટ પાછળ પડી ગયા છે. અત્યારે બ્રિટનમાં કંજર્વેટિવ પાર્ટીની સરકાર છે. 5 સપ્ટેમ્બરે બ્રિટનને નવા પ્રધાનમંત્રી અને કંજર્વેટિવ પાર્ટીના નેતાની જાહેરાત કરવામાં આવનાર છે.
બે તબક્કામાં થાય છે ચૂંટણીઃ
બ્રિટનમાં કંજર્વેટિવ પાર્ટીના નેતાની ચૂંટણી બે તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં પાર્ટીના સાંસદ વોટ કરે છે. વોટિંગની પ્રક્રિયા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી બે ઉમેદવારની વધે. આ વખતે 5 તબક્કામાં મતદાન કરવામાં આવ્યું હતું. તે પછી બે ઉમેદવાર ઋષિ સુનક અને લિજ ટ્રસ છેલ્લે વધ્યા છે. મહત્વની વાત એ છે કે, આ બધા 5 તબક્કાના મતદાનમાં ઋષિ સુનક સાંસદોની પહેલી પસંદ રહ્યા હતા. હવે આ તબક્કાવાર મતદાન પૂર્ણ થઈ ગયું છે. બંને ઉમેદવારો દેશભરમાં રેલીઓ કરીને પાર્ટીના સભ્યોના વોટ માંગી રહ્યા છે.
બીજા તબક્કામાં પાર્ટીના સભ્યોની જ ભૂમિકા હોય છે. કંજર્વેટિવ પાર્ટીના 1.8 લાખ સભ્યો પોસ્ટલ વોટ દ્વારા આ ઉમેદવારોમાંથી એકને પોતાનો નેતા પસંદ કરે છે. બંને ઉમેદાવારોમાં જેને સૌથી વધુ વોટ મળશે તે પાર્ટીનો નેતા અને નવા પ્રધાનમંત્રી બનશે. જો કે, વોટિંગના પહેલા તમામ સર્વે સામે આવ્યા છે જેમાં ઋષિ સુનક પાછળ પડતા દેખાઈ રહ્યા છે.