‘અમને ઉડતું તાબૂત નથી જોઈતું’: આ મુસ્લિમ દેશે અમેરિકાને મોટો ઝટકો આપીને બ્લેક હોક હેલિકોપ્ટરનો સોદો રદ્દ કર્યો
અમેરિકા માટે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો રદ્દ થતા આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ મચી છે. મલેશિયાના રાજા સુલતાન ઇબ્રાહિમે 30 વર્ષથી વધુ જૂના બ્લેક હોક હેલિકોપ્ટર ખરીદવાની યોજના સામે આકરા પ્રહાર કર્યા હતા.

Malaysia rejects Black Hawk helicopters: વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશોમાંના એક એવા મલેશિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. મલેશિયાના રાજા સુલતાન ઇબ્રાહિમે અમેરિકાના સૌથી ખતરનાક બ્લેક હોક ફાઇટર હેલિકોપ્ટરની ખરીદી માટેનો કરાર રદ્દ કરી દીધો છે. આ નિર્ણય પાછળ રાજાએ હેલિકોપ્ટરને ‘ઉડતી શબપેટી’ કહીને ગંભીર ટીપ્પણી કરી છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે.
મલેશિયાના રાજા સુલતાન ઇબ્રાહિમે અમેરિકાના બ્લેક હોક હેલિકોપ્ટરને ‘ઉડતી શબપેટી’ ગણાવીને તેની ખરીદીનો કરાર રદ્દ કરી દીધો છે. આ નિર્ણય રાજાની 16 ઓગસ્ટના રોજ કરવામાં આવેલી ટીપ્પણી બાદ લેવાયો હતો. મલેશિયાના સશસ્ત્ર દળોના વડા જનરલ મોહમ્મદ નિઝામ જાફરે રાજાની ચિંતાઓને ગંભીરતાથી લઈને ખરીદીનો પ્રસ્તાવ રદ્દ કર્યો છે. આ હેલિકોપ્ટરનો 5 વર્ષ માટે ₹57 મિલિયન સિંગાપોર ડોલરમાં કરાર મે 2023 માં થયો હતો, પરંતુ વિવિધ સમસ્યાઓ અને રાજાની ચેતવણીને કારણે આખરે ઓગસ્ટ 2025 માં નવો કરાર રદ્દ કરવામાં આવ્યો.
મલેશિયાના સશસ્ત્ર દળોના વડા જનરલ મોહમ્મદ નિઝામ જાફરે જણાવ્યું કે, રાજા ઇબ્રાહિમે 16 ઓગસ્ટના રોજ એક કાર્યક્રમમાં બ્લેક હોક હેલિકોપ્ટરને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રાજાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયે જૂના અને અસુરક્ષિત બ્લેક હોક હેલિકોપ્ટરની ખરીદીની યોજના રદ્દ કરવી જોઈએ, અને ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ. આ ટીપ્પણી બાદ સંરક્ષણ મંત્રાલયે તાત્કાલિક કાર્યવાહી કરીને ખરીદીનો પ્રસ્તાવ રદ્દ કર્યો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, મલેશિયાએ મે 2023 માં સ્થાનિક સપ્લાયર એરોટ્રી ડિફેન્સ એન્ડ સર્વિસીસ સાથે 4 સિકોર્સ્કી UH-60A+ બ્લેક હોક હેલિકોપ્ટર 5 વર્ષ માટે ₹57 મિલિયન સિંગાપોર ડોલરમાં ભાડે લેવા માટે કરાર કર્યો હતો. પરંતુ, ઓક્ટોબર 2024 સુધીમાં પહેલું હેલિકોપ્ટર ન મળતાં નવેમ્બર 2024 માં આ ઓર્ડર રદ્દ કરવામાં આવ્યો. ત્યારબાદ, ઓગસ્ટ 2025 માં એક નવો કરાર બહાર પાડવામાં આવ્યો, જેમાં ફરીથી આ જ હેલિકોપ્ટરનો સમાવેશ થયો હતો, જેના પર રાજાએ વાંધો ઉઠાવ્યો.
રાજા સુલતાન ઇબ્રાહિમે 1982 માં ખરીદેલા ડઝનબંધ A-4 સ્કાયહોક ગ્રાઉન્ડ-એટેક એરક્રાફ્ટનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે તે સમયે દેશે દરેક એરક્રાફ્ટ માટે ₹1 મિલિયન યુએસ ડોલર ચૂકવ્યા હતા, જે સમય જતાં નકામા સાબિત થયા. આ ઉદાહરણથી રાજાએ સંરક્ષણ મંત્રાલયને જૂની ટેકનોલોજી પર પૈસા ન વેડફવાની સલાહ આપી છે.





















