Myanmar: મ્યાનમારમાં તબાહી વચ્ચે સેનાએ યુદ્ધવિરામની કરી જાહેરાત, ભૂકંપમાં મરનારાઓની સંખ્યા 3000ને પાર
માનવતાવાદી સહાયને ધ્યાનમાં રાખીને સેનાએ 22 એપ્રિલ સુધી યુદ્ધવિરામ લાદવાનો નિર્ણય લીધો છે

મ્યાનમારની શાસક સેનાએ ભૂકંપ રાહત પ્રયાસોને વધુ સારા બનાવવા માટે દેશના ગૃહયુદ્ધમાં 22 એપ્રિલ સુધી યુદ્ધવિરામની જાહેરાત કરી છે. નોંધનીય છે કે મ્યાનમાર 2021થી ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યું છે. એક સ્થાનિક ટીવી ચેનલ અનુસાર, માનવતાવાદી સહાયને ધ્યાનમાં રાખીને સેનાએ 22 એપ્રિલ સુધી યુદ્ધવિરામ લાદવાનો નિર્ણય લીધો છે. જોકે, સેનાએ ચેતવણી આપી હતી કે જો આ સમયગાળા દરમિયાન બળવાખોર જૂથો હુમલાઓ કરશે અથવા તેમની લશ્કરી તાકાત વધારવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા મ્યાનમારમાં લશ્કરી શાસન સામે લડી રહેલા બે મુખ્ય સશસ્ત્ર સંગઠનોએ પણ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પરંતુ સેનાએ શરૂઆતમાં જ પોતાના હુમલા ચાલુ રાખ્યા હતા
બચાવ ટીમોએ મ્યાનમારની રાજધાની નૈપ્યીડોમાં એક હોટલના કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. તેમાંથી એક 26 વર્ષીય નાઈંગ લિન ટુન લગભગ 108 કલાક સુધી ફસાયેલ રહ્યો હતો. તેને એન્ડોસ્કોપિક કેમેરાની મદદથી શોધી કાઢવામાં આવ્યો હતો અને કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. સગાઈંગ વિસ્તારમાં મલેશિયન અને સ્થાનિક બચાવ ટીમો દ્વારા કાટમાળમાંથી અન્ય એક વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. જોકે, મોટાભાગની જગ્યાએથી ફક્ત મૃતદેહો જ મળી રહ્યા છે.
મ્યાનમારમાં ભૂકંપે ભારે તબાહી મચાવી
શુક્રવારે બપોરે મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં હજારો ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. પુલો નાશ પામ્યા અને રસ્તાઓને નુકસાન થયું હતું. અત્યાર સુધીમાં 4,500થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, વાસ્તવિક મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રના મતે, ભૂકંપ પહેલા પણ મ્યાનમારમાં 30 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા અને 20 મિલિયન લોકો કોઈને કોઈ પ્રકારની સહાય પર નિર્ભર હતા. હવે આ કુદરતી આફતે ત્યાંની કટોકટીને વધુ ગંભીર બનાવી દીધી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડાલે નજીક હતું.
બળવાખોર જૂથોની પહેલ અને સેના પર દબાણ
મ્યાનમારની સેનાએ 2021માં આંગ સાન સુ કીની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સત્તા પર કબજો કર્યો હતો. બળવાખોર જૂથો તેની સામે સતત લડી રહ્યા છે. મંગળવારે થ્રી બ્રધરહુડ એલાયન્સ નામના એક શક્તિશાળી બળવાખોર ગઠબંધને રાહત કામગીરીમાં વિક્ષેપ ન આવે તે માટે એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. દેશનિકાલ કરાયેલી સરકાર 'નેશનલ યુનિટી ગવર્નમેન્ટ' એ પણ તેના સશસ્ત્ર દળોને યુદ્ધવિરામ માટે કહ્યું હતું. આ જાહેરાતો પછી મ્યાનમાર સેના પર યુદ્ધવિરામ જાહેર કરવાનું દબાણ પણ વધી ગયું હતું.
રેડ ક્રોસના કાફલા પર હુમલાનો દાવો
દરમિયાન બળવાખોર જૂથોએ મંગળવારે સેના પર રેડ ક્રોસના રાહત કાફલા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કાફલો ચીનની રેડ ક્રોસ સોસાયટીનો હતો અને તેમાં નવ વાહનો હતા જે મંડાલે તરફ જઈ રહ્યા હતા.
મ્યાનમારમાં આંતરરાષ્ટ્રીય સહાય મળી રહી છે
ઘણા દેશો મ્યાનમારને રાહત આપવા માટે મદદ મોકલી રહ્યા છે. આમાં ઓસ્ટ્રેલિયાએ 4.5 મિલિયન યુએસ ડોલરની વધારાની સહાય આપવાની જાહેરાત કરી. ભારતે રાહત સામગ્રી સાથે બે નૌકાદળના જહાજો મોકલ્યા અને 200 બચાવ કાર્યકરો તૈનાત કર્યા હતા. આ સાથે ચીન, રશિયા અને યુએઈએ પણ બચાવ ટીમો મોકલી છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સે 2 મિલિયન યુએસ ડોલરની કટોકટી સહાયની જાહેરાત કરી છે.





















