નવાઝ શરીફે કહ્યું- અમે કારગીલમાં દગો કર્યો, ભારતની માફી માંગવા તૈયાર છીએ
પાકિસ્તાની લોકોએ કહી મોટી વાત, ભૂતકાળમાં ભારત સાથે વિશ્વાસઘાત કર્યાનો સ્વીકાર.

Nawaz Sharif Kargil mistake: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુદ્ધને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જાહેરમાં સ્વીકાર્યું છે કે પાકિસ્તાને કારગીલમાં ભારત સાથે દગો કર્યો હતો અને આ ભૂલ બદલ તેઓ ભારતની માફી માંગવા માટે તૈયાર છે. નવાઝ શરીફના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
પાકિસ્તાની યુટ્યુબર નાયલા ખાને નવાઝ શરીફના આ કબૂલાતના વીડિયો ક્લિપને પોતાની ચેનલ પર શેર કરી છે. આ ક્લિપમાં નવાઝ શરીફને હજારો લોકોની સામે એક કાર્યક્રમમાં કારગીલ યુદ્ધ વિશે વાત કરતા સાંભળી શકાય છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે "કારગીલમાં અમે દગો કર્યો હતો અને અમે માફી માંગવા તૈયાર છીએ."
નાયલા ખાને આ નિવેદન પર પાકિસ્તાની લોકોના મંતવ્યો પણ જાણ્યા હતા. જેમાં અનેક લોકોએ નવાઝ શરીફના કબૂલાતને સમર્થન આપ્યું હતું અને ભૂતકાળમાં ભારત સાથેના સંબંધોમાં થયેલી ભૂલોનો સ્વીકાર કર્યો હતો. એક પાકિસ્તાની નાગરિકે જણાવ્યું હતું કે, "અમને શરૂઆતથી જ ભારતને નફરત કરવાનું શીખવવામાં આવ્યું છે, પરંતુ સત્ય એ છે કે ભારતે આજે વિશ્વમાં ઘણો વિકાસ કર્યો છે. પાકિસ્તાનના શાસકોએ તમામ દેશો સાથેના સંબંધો બગાડ્યા છે, જ્યારે ભારત આજે વિશ્વના તમામ દેશો સાથે મજબૂત સંબંધો ધરાવે છે."
અન્ય એક પાકિસ્તાની વ્યક્તિએ વધુમાં કહ્યું હતું કે, "અગાઉની સરકારોએ ઘણી ખોટી નીતિઓ અપનાવી હતી. અમારી સરકારે હંમેશા ભારતની પીઠમાં ખંજર ભોંક્યું છે." લોકોના આ પ્રતિભાવો દર્શાવે છે કે પાકિસ્તાનમાં હવે ઘણા લોકો કારગીલ યુદ્ધ અને ભારત સાથેના સંબંધો અંગે પુનર્વિચાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 1999માં કારગીલ યુદ્ધમાં પાકિસ્તાનને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કારણ રહ્યો છે અને કારગીલ યુદ્ધ પણ તેનો જ એક ભાગ હતો. નવાઝ શરીફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમના નાના ભાઈ અને પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ભારત સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે.
નવાઝ શરીફની આ કબૂલાત ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં એક નવો વળાંક લાવી શકે છે કે કેમ તે જોવાનું રહેશે. પરંતુ એટલું ચોક્કસ છે કે પાકિસ્તાનમાં કારગીલ યુદ્ધ અને ભારત સાથેના સંબંધોને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો....
પાકિસ્તાનના ફરી ભાગલા થશે! ખુદ સાંસદે જ પાકના પ્રધાનમંત્રીને આપી ચેતવણી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
