Osama Bin Laden Letter:ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે આતંકી ઓસામા બિન લાદેનનો 21 વર્ષ જૂનો પત્ર વાયરલ, કર્યો હતો ચોંકાવનારો દાવો
Osama Bin Laden Letter To America: ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનનો 21 વર્ષ જૂનો પત્ર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. લાદેને આ પત્ર અમેરિકાને લખ્યો હતો.
Osama Bin Laden Letter To America: ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનનો 21 વર્ષ જૂનો પત્ર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. લાદેને આ પત્ર અમેરિકાને લખ્યો હતો. પત્રમાં બિન લાદેને કહ્યું હતું કે પેલેસ્ટાઈન પર ઈઝરાયલના કબજા માટે અમેરિકાનું સમર્થન એ '9/11' હુમલાનું એક કારણ હતું. લાદેનનો આ પત્ર ન્યૂઝ વેબસાઈટ 'ધ ગાર્ડિયન' પર વાંચવા માટે ઉપલબ્ધ હતો, પરંતુ તેના પર થયેલી ચર્ચા અને ઘણા લોકો તરફથી આતંકવાદને સમર્થન બતાવ્યા બાદ ગાર્ડિયને તેની વેબસાઈટ પરથી પત્ર ધરાવતો લેખ હટાવી દીધો છે.
આતંકવાદી ઓસામાનો અમેરિકાને લખેલો જૂનો પત્ર વાયરલ
અહેવાલો અનુસાર, બિન લાદેનનો 21 વર્ષ જૂનો પત્ર TikTok પર ફરી સામે આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં યૂઝર્સ અમેરિકા પરના ભયાનક આતંકવાદી હુમલાને યોગ્ય ઠેરવવા માટે ઓસામા બિન લાદેન સાથે સંમત થયા છે. ધ ગાર્ડિયનના લેખ પર સોશિયલ મીડિયા યુઝર્સ અને ઈન્ફ્લુએર્સ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. માર્યા ગયેલા અલ-કાયદા (આતંકવાદી સંગઠન)ના વડા ઓસામા બિન લાદેને 2001ના હુમલા પછી આ પત્ર લખ્યો હતો, જેને '9/11' હુમલા તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલાઓને અમેરિકન ધરતી પરના સૌથી ખરાબ આતંકવાદી હુમલા તરીકે ઓળખવામાં આવે છે.
ઓસામા બિન લાદેને પત્રમાં શું કહ્યું?
પત્રમાં, આતંકવાદી બિન લાદેને અન્ય બાબતોની સાથે, ઇઝરાયલીઓને દમનકારી અને પેલેસ્ટાઇન પર કબજો જમાવીને હુમલાઓને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. આ જ કારણ છે કે આ પત્ર એવા સમયે ફરી સામે આવ્યો છે જ્યારે ગાઝામાં પેલેસ્ટિનિયનો માટે લડવાનો દાવો કરનારા ઉગ્રવાદી સંગઠન હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે.
7 ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયેલ પર હમાસના ઘાતક હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી અને ત્યારથી બંને પક્ષો વચ્ચે લડાઈ ચાલુ છે, જેમાં હજારો લોકો માર્યા ગયા છે. ઇઝરાયલે હમાસના હુમલાની સરખામણી '9/11' સાથે કરી હતી અને હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પોતાના પત્રના અંતમાં ઓસામા બિન લાદેને કહ્યું, "પેલેસ્ટાઈનને એક કેદી તરીકે જોવામાં આવશે નહીં કારણ કે અમે તેની સાંકળો તોડવાની કોશિશ કરીશું." તેણે અમેરિકાને ચેતવણી આપી હતી કે તે લોકોના લોહીથી તેના કાર્યોની કિંમત ચૂકવવી પડશે.