(Source: ECI/ABP News/ABP Majha)
Russia : ...તો ભડકે બળશે આખું યુરોપ? ખેલાશે મહાયુદ્ધ? ફિનલેન્ડ પર રશિયા ધુંઆપુંઆ
ફેબ્રુઆરી 2022 પહેલા ફિનલેન્ડ નાટોમાં જોડાવાની ચર્ચા પણ ક્યારેય થઈ ન હતી. ગયા વર્ષે જ્યારે પુતિને યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી ત્યારે ફિનલેન્ડે નાટોમાં જોડાવાના પ્રયાસો વેગવંતા બનાવી દીધા હતાં
Vladimir Putin Angry : 'જ્યારે આપણે સરહદની તે બાજુ નજર કરીએ છીએ ત્યારે આપણને ફિનલેન્ડ દેખાય છે, પરંતુ જો ફિનલેન્ડ નાટોમાં જોડાશે તો અમે તેને દુશ્મન તરીકે જોઈશું" રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 2016માં જ આ વાત કહી હતી. ફેબ્રુઆરી 2022 પહેલા ફિનલેન્ડ નાટોમાં જોડાવાની ચર્ચા પણ ક્યારેય થઈ ન હતી. પરંતુ ગયા વર્ષે જ્યારે પુતિને યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી ત્યારે ફિનલેન્ડે નાટોમાં જોડાવાના પ્રયાસો વેગવંતા બનાવી દીધા હતાં જે આજે પુરા થયા હતાં.
હવે ફિનલેન્ડ નાટોનું સભ્ય બની ગયું છે. ફિનલેન્ડ એવો દેશ હતો જેણે કોઈ એક તરફ જવાને બદલે તટસ્થ રહેવાનો માર્ગ પસંદ કર્યો હતો. પરંતુ યુક્રેન પર રશિયન હુમલા બાદ તેમનો વિચાર બદલાઈ ગયો. ફિનલેન્ડ નાટોમાં સામેલ થવું એ રશિયા માટે એક મોટો ફટકો છે. તે એટલા માટે કારણ કે, ફિનલેન્ડના સમાવેશનો અર્થ એ છે કે નાટો રશિયાની સરહદની નજીક પહોંચી ગયું છે. અને નાટો સાથે પુતિનની નારાજગીનું કારણ પણ આ જ છે.
નાટોનો અર્થ શું છે...?
નાટો એટલે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન. તે એક સૈન્ય જોડાણ છે, જેનો હેતુ એક સામાન્ય સુરક્ષા નીતિ પર કામ કરવાનો છે. જો કોઈ બહારનો દેશ કોઈપણ નાટો દેશ પર હુમલો કરે છે, તો તેને અન્ય સભ્ય દેશો પર હુમલો માનવામાં આવશે અને તમામ દેશો તેને બચાવવામાં મદદ કરશે.
નાટોની રચના 1949માં થઈ હતી. પરંતુ તેનો પાયો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ નખાયો હતો. હકીકતમાં બીજા વિશ્વયુદ્ધ બાદ સોવિયેત સંઘે પૂર્વ યુરોપના વિસ્તારોમાંથી સૈન્ય પાછું ખેંચવાનો ઇનકાર કર્યો હતો. 1948માં બર્લિનને પણ ઘેરી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ સોવિયત સંઘની વિસ્તરણવાદી નીતિને રોકવા માટે અમેરિકાએ 1949માં નાટોની શરૂઆત કરી હતી.
જ્યારે નાટોની રચના થઈ ત્યારે તેના 12 સભ્યો હતા. અમેરિકા ઉપરાંત તેમાં બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, ઇટાલી, નેધરલેન્ડ, આઇસલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નોર્વે, પોર્ટુગલ અને ડેનમાર્કનો સમાવેશ થાય છે. ફિનલેન્ડના સમાવેશ સાથે હવે તેના 31 સભ્યો છે.
આ દેશો છે- અલ્બેનિયા, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક, એસ્ટોનિયા, જર્મની ગ્રીસ, હંગેરી, લાતવિયા, લિથુઆનિયા, મોન્ટેનેગ્રો, ઉત્તર મેસેડોનિયા, પોલેન્ડ, રોમાનિયા, સ્લોવેકિયા, સ્લોવેનિયા, સ્પેન, તુર્કી અને ફિનલેન્ડ.