(Source: ECI/ABP News/ABP Majha)
Russia : US-યુરોપને તતડાવતા પુતિને ખુલ્લેઆમ ભારત માટે કરી મોટી જાહેરાત, દુનિયા દંગ
પુતિને આકરા શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકા અને પશ્ચિમી દેશો યુક્રેનને રશિયા સામે તમામ પ્રકારના આધુનિક હથિયારો આપી રહ્યા છે, જેના કારણે તે હજુ પણ રશિયાનો સામનો કરી રહ્યું છે.
Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના તેમના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા પર દેશને સંબોધિત કર્યો હતો. રાજધાની મોસ્કોમાં ગોસ્ટિવની ડ્વોર હોલમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને અમેરિકા અને યુરોપ સહિતના દેશો પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. રશિયા માટે યુદ્ધ એજ એક વિકલ્પ બાકી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે પોતાના ભાષણમાં ભારતને લઈને એક મહત્વની અને મોટી જાહેરાત કરી હતી. જેની દુનિયા આખીએ નોંધ લીધી હતી.
પુતિને કહ્યું હતું કે, સતત નાઝી ધમકીઓ સામે લડી રહેલું રશિયા યુક્રેનમાં 'સ્પેશિયલ ઓપરેશન' ચલાવી રહ્યું છે. પુતિને પોતાના ભાષણમાં ભારતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે, રશિયા ભારત સાથે તેના સહયોગ અને વેપારમાં વધારો કરવાનું યથાવત રાખશે. તેમણે એશિયામાં ભારત, ચીન વગેરે દેશો સાથે વેપારને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોર (INSTC)ના વિસ્તરણની પણ જાહેરાત કરી હતી. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, રશિયા વિદેશી આર્થિક સંબંધોને વિસ્તારશે અને નવા લોજિસ્ટિક કોરિડોર બનાવશે.
તેમણે કહ્યું હતું કે, તેઓ ભારત, ઈરાન, ચીન, પાકિસ્તાન જેવા દેશો સાથે આર્થિક સંબંધો વધારવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોરનો વિકાસ કરશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર ભાર મૂકતાં પુતિને કહ્યું હતું કે, અમે ભારત, ઈરાન, પાકિસ્તાન સાથે સહયોગ વધારવાની આશા રાખીએ છીએ. અમે ભારત સાથેના અમારા વેપારને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોર (INSTC)નું નિર્માણ કરવાનું યથાવત રાખીશું. તેમની યોજના વિશે વાત કરતા પુતિને વધુમાં કહ્યું હતું કે, રેલવેનું આધુનિકીકરણ અને ઉત્તરીય શિપિંગ રૂટમાં સુધારો પણ અમારી યોજનાનો એક ભાગ છે. અમે બ્લેક અને એઝોવ સી રૂટના બંદરો, ઉત્તર-દક્ષિણ કોરિડોરનો વિકાસ કરીશું અને ઉત્તરીય સમુદ્ર માર્ગની ક્ષમતાઓમાં વધારો કરીશું. તેનાથી ચીન, ભારત, ઈરાન અને અન્ય મિત્ર દેશો સાથે સહયોગ વિસ્તરશે અને ગાઢ બનશે.
પશ્ચિમી દેશો પર રીતસરના વરસી પડ્યા પુતિન
પોતાના સંબોધનમાં પુતિને આકરા શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકા અને પશ્ચિમી દેશો યુક્રેનને રશિયા સામે તમામ પ્રકારના આધુનિક હથિયારો આપી રહ્યા છે, જેના કારણે તે હજુ પણ રશિયાનો સામનો કરી રહ્યું છે. યુક્રેનને પશ્ચિમી દેશોની મદદ પર નિશાન સાધતા પુતિને કહ્યું હતું કે, પશ્ચિમી દેશોએ જે રમત ઈરાક અને સીરિયા સાથે રમી હતી તે જ રમત યુક્રેનમાં પણ રમી છે.
પુતિને કહ્યું કે યુક્રેનના ડોનબાસ ક્ષેત્રના લોકો રશિયા આવે અને તેમની મદદ કરે તેની રાહ જોઈ રહ્યા હતા. રશિયાએ પણ શાંતિપૂર્ણ રીતે ડોનબાસની સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પશ્ચિમી દેશોએ રમત રમી અને રશિયાએ તેનું 'સ્પેશિયલ ઓપરેશન' શરૂ કરવું પડ્યું.
તેમણે રશિયા-યુક્રેન યુદ્ધને વાતચીત દ્વારા ઉકેલવાની પશ્ચિમી દેશોની અપીલને પણ ખોટી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, શાંતિ પુનઃસ્થાપિત કરવાની પશ્ચિમી દેશોની વાતો ખોટી છે.