(Source: ECI/ABP News/ABP Majha)
Bangladesh: ચૂંટણી માટે બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના? તેમના દીકરાએ આપ્યું મોટું નિવેદન
બાંગ્લાદેશી નેતા અંગે ભારતના વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે આ નિર્ણય શેખ હસીના પર છોડવામાં આવ્યો છે
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના તેમના દેશમાં પરત ફરશે કે નહીં તે અંગે હજી સુધી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. જો કે, શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે (Sajeeb Wazed Joy) આ અંગે ચોક્કસપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, “તેમની માતા તેમના દેશમાં પરત ફરશે. અત્યારે તે થોડા સમય માટે ભારતમાં છે, પરંતુ જ્યારે વચગાળાની સરકાર ચૂંટણી યોજવાનું નક્કી કરશે ત્યારે તે બાંગ્લાદેશ પરત જશે. તેણીએ એમ પણ કહ્યું હતું કે તે "નિવૃત્ત અથવા સક્રિય" રાજકારણી તરીકે પરત ફરશે કે કેમ તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. અગાઉ તેણે કહ્યું હતું કે તે રાજકારણમાં પરત નહીં ફરે.
ભારતે કહ્યું કે પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે
બાંગ્લાદેશી નેતા અંગે ભારતના વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે આ નિર્ણય શેખ હસીના પર છોડવામાં આવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે જણાવ્યું હતું કે શેખ હસીનાને ખૂબ જ ટૂંકી સૂચના પર ભારત આવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે, તેથી શેખ હસીનાએ પહેલા પોતે નિર્ણય લેવો જોઈએ, ત્યારબાદ ભારત સરકાર આ અંગે પોતાનો અભિપ્રાય આપશે. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા શેખ હસીના 5 ઓગસ્ટે ભારત આવ્યા હતા.
અગાઉ જોયે અવામી લીગના નેતાઓ અને પાર્ટીના કાર્યકરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેઓ દેશભરમાં વારંવાર હુમલાનો ભોગ બની રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંગ્લાદેશની સૌથી જૂની અને સૌથી મોટી પાર્ટી તેના સમર્થકોને છોડી શકતી નથી. તેમણે એવો સંકેત આપ્યો હતો કે હસીનાના પરત ફર્યા પછી તેમની ભૂમિકા વધુ સક્રિય થશે. "જ્યારે લોકશાહી ફરીથી સ્થપાશે ત્યારે તે ચોક્કસપણે બાંગ્લાદેશ પરત ફરશે.
દરમિયાન, ગુરુવારે બાંગ્લાદેશમાં અરાજકતાના વાતાવરણ વચ્ચે મોહમ્મદ યુનુસે દેશનું નેતૃત્વ સંભાળ્યું હતું. હાલમાં તેમની પાસે દેશમાં શાંતિ સ્થાપવાની અને નવી ચૂંટણીઓ કરાવવાની મોટી જવાબદારી છે. યુનુસ (84)ને રાષ્ટ્રપતિ ભવન 'બંગ ભવન' ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મુખ્ય સલાહકાર તરીકે શપથ લેવડાવ્યા હતા. આ પદ વડાપ્રધાનની સમકક્ષ છે. આ સમારોહમાં રાજકીય પક્ષોના નેતાઓ, ન્યાયાધીશો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ત્રણેય સેનાઓના વડાઓ, પોલીસ મહાનિરીક્ષક, વરિષ્ઠ સૈન્ય અને નાગરિક અધિકારીઓ, રાજદ્વારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, વરિષ્ઠ પત્રકારો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.