સિડની આતંકી હુમલામાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો, પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ભયાવહ સ્થિતિ
Sydney Terrorist Attack: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. આ આતંકવાદી ઘટના અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે.

Sydney Terrorist Attack:ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સના સિડનીમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. રવિવારે (14 ડિસેમ્બર) સિડનીના બોન્ડી બીચ પર હનુક્કાહ ઉજવણી ચાલી રહી હતી. તે સાંજે બે હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. એપીના અહેવાલ મુજબ, આ આતંકવાદી હુમલાના ગુનેગારો એક પિતા અને પુત્ર હતા, જેમાંથી એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ હુમલાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ ગરમાવો લાવ્યો છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસની સરકાર પર યહૂદી વિરોધીતાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. નેતન્યાહૂએ જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવા જેવા નિર્ણયો યહૂદી વિરોધી પ્રવૃતિને ઉશ્કેરે છે અને વૈશ્વિક યહૂદી વિરોધીતા સામે કડક વલણ જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે, અને આતંકવાદી દ્રષ્ટિકોણ સહિત ઘટનાની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.
પિતા અને પુત્રએ સાથે મળીને યહૂદીઓને નિશાન બનાવ્યા
ઓસ્ટ્રેલિયન તપાસ એજન્સીઓએ શંકાસ્પદ વ્યક્તિઓની પૃષ્ઠભૂમિ તપાસ શરૂ કરી છે. ગોળીબાર કરનારાઓની ઓળખ પિતા અને પુત્ર તરીકે થઈ છે. 50 વર્ષીય પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના 24 વર્ષીય પુત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે પણ પોલીસ કસ્ટડીમાં છે. આ હુમલામાં હનુક્કાહના યહૂદી તહેવારની ઉજવણી કરતા યુહૂદીને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં 16 લોકો માર્યા ગયા છે જયારે 42 ઘાયલ થયા છે.
સિડની ગોળીબાર વિશે એક પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું
સિડની હુમલા સાથે પાકિસ્તાની જોડાણ બહાર આવ્યું છે. ઓસ્ટ્રેલિયન તપાસ એજન્સીઓ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, હુમલામાં સામેલ પિતા અને પુત્ર પાકિસ્તાની મૂળના હોવાનું સામે આવ્યું છે. બીબીસીના અહેવાલ મુજબ, પ્રત્યક્ષદર્શી માર્કોસ કાર્વાલ્હોએ કહ્યું, "ગોળીબાર સમયે પહેલા તો ફટાકડા ફૂટ્યાં હોય તેવું લાગ્યું. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે બોન્ડીમાં ગોળીબાર થઈ શકે છે. ફાયરિંગની જાણ થતાં હું દોડવા લાગ્યો.





















