Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
સુરત: શહેરના લસકાણા વિસ્તારમાં શુદ્ધ ઘીના નામે ઝેર પીરસતા એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એક તબેલાની આડમાં ચાલતા આ નકલી ઘીના કારખાના પર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખી દરોડો પાડ્યો હતો, જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત: શહેરના લસકાણા વિસ્તારમાં શુદ્ધ ઘીના નામે ઝેર પીરસતા એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એક તબેલાની આડમાં ચાલતા આ નકલી ઘીના કારખાના પર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખી દરોડો પાડ્યો હતો, જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, હાલમાં બજારમાં શુદ્ધ ઘી 1000-1200 રુપિયામાં વેચાય છે જ્યારે આ નકલી ઘી 300 રુપિયામાં વેચાતું હતું.
ચોક્કસ બાતમી અને સંયુક્ત દરોડો
લસકાણા પોલીસને બાતમી મળી હતી કે લસકાણા સ્થિત આહીર સમાજની વાડી પાછળ આવેલા પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે મળીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તબેલાની આડમાં અત્યંત જોખમી રીતે નકલી ઘી બનાવવામાં આવતું હતું.
કેવી રીતે બનતું હતું 'નકલી ઘી'?
- પકડાયેલો આરોપી અલ્પેશ સાંથલીયા વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકતો હતો. તેની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હતી:
- મિશ્રણ: તે વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને એકબીજા સાથે મિશ્રિત કરતો હતો.
- એસેન્સનો ઉપયોગ: ઘી જેવી અસલી સુગંધ લાવવા માટે તેમાં ખાસ પ્રકારનું કેમિકલ એસેન્સ ઉમેરવામાં આવતું હતું.
- ગ્રાહકોને છેતરવાની રીત: તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજનલ ઘી બનતું, તેને પણ આ નકલી મિશ્રણમાં ઉમેરીને ગરમ કરવામાં આવતું, જેથી ગ્રાહકોને લાગે કે તે શુદ્ધ ઘી છે.
મુદ્દામાલની વિગત
- પોલીસે સ્થળ પરથી કુલ ₹2,11,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં,
- 319.54 કિલો ભેળસેળયુક્ત તૈયાર ઘી.
- 856 કિલો વેજીટેબલ અને સોયાબીન ઓઈલનો જથ્થો.
- ઘી બનાવવાનું એસેન્સ તથા અન્ય સાધન સામગ્રી.
પોલીસે આરોપી અલ્પેશ સાંથલીયાની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સુરતમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ બાબતે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે.
તો બીજી તરફ પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ, પકડાયેલો આરોપી અલ્પેશ ઇશ્વરભાઇ સાંથલીયાની ઉંમર 30 વર્ષની છે અને તે સુરતના કામરેજ પાસે આવેલ સાંઈનાથ સોસાયટીમાં રહે છે. આરોપી અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો. તે વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને મિક્સ કરીને નકલી ઘી તૈયાર કરતો હતો. આ ઉપરાંત કોઈને ખબર ન પડે અને સાચા ઘી જેવી જ સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ પણ ઉમેરતો હતો.





















