નાસાએ મોકલ્યા 8 દિવસ માટે ને રોકાયા 9 મહિના, સુનીતા વિલિયમ્સને 'ઓવરટાઇમ'ના કેટલા પૈસા મળશે?
તકનીકી ખામીને કારણે અવકાશમાં ફસાયેલા સુનીતા અને બૂચ ટૂંક સમયમાં પરત ફરશે, જાણો તેમની લાંબી મુસાફરીના પગાર અને ભથ્થાં વિશે

Sunita Williams ISS stay: અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આખરે પૃથ્વી પર પાછા ફરવા માટે તૈયાર છે. 8 દિવસના મિશન પર ગયેલા આ બંને અવકાશયાત્રીઓ અણધારી તકનીકી સમસ્યાઓના કારણે 9 મહિનાથી વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ફસાયેલા રહ્યા હતા. હવે નાસાએ તેમને પરત લાવવા માટે એક ખાસ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન મોકલ્યું છે, જેના દ્વારા તેઓ 19 માર્ચ સુધીમાં પૃથ્વી પર પાછા આવી શકે છે.
ગયા વર્ષે 5 જૂને સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં ISS માટે 8 દિવસના મિશન પર રવાના થયા હતા. જો કે, તેમના અવકાશયાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તે પરત ફરવા માટે સુરક્ષિત નહોતું, જેના કારણે તેમને નિર્ધારિત સમય કરતાં ઘણો વધારે સમય ISS પર વિતાવવો પડ્યો. આ દરમિયાન, 17 માર્ચે એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં સુનીતા અને બૂચે ટ્રમ્પ સરકાર અને મસ્કનો આભાર માન્યો હતો.
આવી પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે ISS પર અટવાયેલા રહેવાને કારણે શું નાસા આ બંને અવકાશયાત્રીઓને તેમના નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે વધારાનો પગાર ચૂકવશે? અને જો ચૂકવશે તો તે કેટલો હશે? જો કે, નાસાના નિવૃત્ત અવકાશયાત્રી કેડી કોલમેને સ્પષ્ટ કર્યું છે કે અવકાશયાત્રીઓને ઓવરટાઇમ માટે કોઈ અલગ પગાર મળતો નથી.
કેડી કોલમેને એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર બંને ફેડરલ કર્મચારી છે અને અવકાશમાં તેમનો સમય પૃથ્વી પરના કોઈપણ નિયમિત કાર્યકાળની જેમ જ ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તેમને તેમનો નિયમિત વાર્ષિક પગાર મળતો રહે છે, જે તેમના GS-15 સેલરી ગ્રેડ અનુસાર આશરે રૂ. 1.08 કરોડથી રૂ. 1.41 કરોડની વચ્ચે હોય છે. ISS પર તેમના ભોજન અને રહેવાનો તમામ ખર્ચ નાસા ઉઠાવે છે.
મિશનની અવધિ કરતાં વધુ સમય ISS પર વિતાવવા બદલ 'વધારાના પગાર' અંગે કોલમેને જણાવ્યું હતું કે તેઓ ત્યાં પણ નાસાના નિયમિત કર્મચારીની જેમ કામ કરી રહ્યા હોવાથી તેમને કોઈ વિશેષ ઓવરટાઇમ મળતો નથી. જો કે, તેઓ આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે દરરોજ એક નાનું સ્ટાઈપેન્ડ ચોક્કસ મેળવે છે, જે તેમના પગાર ઉપરાંત નાસા દ્વારા આપવામાં આવતું વધારાનું વળતર કહી શકાય. અહેવાલ અનુસાર, આ સ્ટાઈપેન્ડ માત્ર 4 ડોલર એટલે કે લગભગ 347 રૂપિયા પ્રતિ દિવસ હોય છે.
કોલમેને પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું હતું કે 2010-11માં તેઓ 159 દિવસ માટે મિશન પર હતા અને આ સમયગાળા દરમિયાન તેમને કુલ અંદાજે 636 ડોલર એટલે કે લગભગ 55 હજાર રૂપિયા વધારાના ભથ્થા તરીકે મળ્યા હતા. આ ગણતરી મુજબ, વિલિયમ્સ અને વિલ્મોરે અવકાશમાં 287 દિવસથી વધુ સમય વિતાવ્યો છે, તેથી દરેકને વધારાના વળતર તરીકે માત્ર 1 હજાર 148 ડોલર એટલે કે અંદાજે 1 લાખ રૂપિયા મળવાની સંભાવના છે. કોલમેને એ પણ સ્પષ્ટ કર્યું કે નાસાએ વિલિયમ્સ અને વિલ્મોરની પરિસ્થિતિને તકનીકી રીતે ફસાયેલા તરીકે વર્ણવી નથી, કારણ કે તેઓ ISS પર સક્રિયપણે કામ કરી રહ્યા હતા.
હવે જ્યારે સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવ સાથે સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ પર પૃથ્વી પર પાછા ફરવાના છે, ત્યારે તેમનું સ્વાગત કરવા માટે દુનિયાભરના લોકો રાહ જોઈ રહ્યા છે. સ્પેસએક્સ ક્રૂ -10 મિશન તાજેતરમાં જ ISS પર પહોંચ્યું છે અને આ મિશન દ્વારા જ વિલિયમ્સ અને વિલ્મોરની લાંબી રાહનો અંત આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
