રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કેવી રીતે થશે? ટ્રમ્પે યુએન મહાસભામાં જણાવ્યો અમેરિકાનો પ્લાન; વધી જશે પુતિનનું ટેન્શન!
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના ભાષણમાં રશિયા-યુક્રેન યુદ્ધને એક મોટો પડકાર ગણાવ્યો અને તેના ઉકેલ માટે એક ચોક્કસ વ્યૂહરચના રજૂ કરી.

Donald Trump Russia Ukraine war: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધતા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે એક નવી અને આક્રમક યોજના રજૂ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો રશિયા યુદ્ધ બંધ નહીં કરે તો અમેરિકા તેના પર ભારે ટેરિફ (જકાત) લાદશે. ટ્રમ્પનું માનવું છે કે આ પગલાથી વ્લાદિમીર પુતિન પર આર્થિક દબાણ વધશે અને યુદ્ધ તાત્કાલિક અટકી શકે છે. જોકે, તેમણે નાટો સભ્ય દેશોની પણ ટીકા કરી અને કહ્યું કે તેઓ રશિયા પાસેથી ઊર્જા ખરીદીને પરોક્ષ રીતે યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યા છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના ભાષણમાં રશિયા-યુક્રેન યુદ્ધને એક મોટો પડકાર ગણાવ્યો અને તેના ઉકેલ માટે એક ચોક્કસ વ્યૂહરચના રજૂ કરી.
ટેરિફ લાદવાની ધમકી
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "જો રશિયા યુદ્ધ બંધ નહીં કરે, તો અમેરિકા તેના પર ભારે ટેરિફ લાદવા માટે તૈયાર છે." તેમણે ઉમેર્યું કે આ ટેરિફ રશિયાને આર્થિક રીતે નુકસાન પહોંચાડશે અને યુદ્ધને સમાપ્ત કરવા માટે તેને મજબૂર કરી શકે છે. જોકે, તેમણે યુરોપિયન દેશોને પણ આ પગલામાં અમેરિકા સાથે જોડાવા અપીલ કરી, કારણ કે એકલા અમેરિકાના ટેરિફ કરતાં બધા દેશોના સંયુક્ત પગલાં વધુ અસરકારક રહેશે.
નાટો અને યુરોપ પર નિશાન
ટ્રમ્પે પોતાના ભાષણમાં નાટો દેશો અને યુરોપિયન યુનિયનની સખત ટીકા કરી. તેમણે કહ્યું કે, "નાટો દેશોએ રશિયન ઊર્જા અને ઉત્પાદનો પર કોઈ નોંધપાત્ર પ્રતિબંધો લાદ્યા નથી." તેમણે યુરોપ પર કટાક્ષ કરતા કહ્યું કે, "તેઓ રશિયા સામે લડી રહ્યા છે ત્યારે જ તેમની પાસેથી તેલ અને ગેસ ખરીદી રહ્યા છે. આ તેમના માટે શરમજનક છે." ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે યુરોપિયન દેશો પરોક્ષ રીતે પોતાના જ દુશ્મનને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે.
પોતાના ભાષણની શરૂઆતમાં ટ્રમ્પે તેમના કાર્યકાળના પ્રથમ આઠ મહિનાની સિદ્ધિઓની પ્રશંસા કરી અને દાવો કર્યો કે તેમણે સાત લાંબા સમયથી ચાલતા યુદ્ધોનો અંત લાવવામાં મદદ કરી છે, જેના માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. તેમણે સંયુક્ત રાષ્ટ્રની પણ ટીકા કરી, અને કહ્યું કે આ સંસ્થાએ તેમની વિદેશ નીતિના કાર્યોમાં કોઈ મદદ કરી નથી.





















