બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
ઇસ્તાંબુલના મેયરની ધરપકડ બાદ તુર્કીમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા, સરકાર અને વિપક્ષ આમને-સામને.

Turkey protests over Imamoglu arrest: બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ બાદ હવે તુર્કીમાં પણ બળવાના ભણકારા વાગી રહ્યા છે. ઇસ્તાંબુલના લોકપ્રિય મેયર એકરેમ ઇમામોગ્લુની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવતા દેશભરમાં વિરોધની તીવ્ર લહેર ફેલાઈ ગઈ છે. રવિવારે (23 માર્ચ, 2025) તેમની ઔપચારિક ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવ્યા બાદ તુર્કીના વિવિધ શહેરોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
વિપક્ષ આ ધરપકડને રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના રાજકીય કાવતરાનો ભાગ ગણાવી રહ્યો છે. તેમનું માનવું છે કે 2028ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એર્દોગનને પડકારવા માટે ઇમામોગ્લુ સૌથી મજબૂત ઉમેદવાર હતા અને તેમને ચૂંટણીની રેસમાંથી દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શનોને તુર્કીમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી મોટા માનવામાં આવે છે.
ઇસ્તાંબુલના મેયર એકરેમ ઇમામોગ્લુ પર લાંચ અને ગેરવસૂલી, બિડ રિગિંગ અને ગેરકાયદેસર ડેટા સંગ્રહ જેવા ગંભીર આરોપો છે. તેમના પર ગુનાહિત સંગઠન ચલાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે, જો કે આતંકવાદ સંબંધિત આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે.
વિપક્ષ રિપબ્લિકન પીપલ્સ પાર્ટી (CHP) આ ધરપકડને સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત ગણાવે છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે સરકાર ઇમામોગ્લુની વધતી જતી લોકપ્રિયતાથી ડરી ગઈ છે અને તેમને ચૂંટણી લડતા રોકવા માટે આવા પગલાં ભરી રહી છે.
Erdogan: "You can't go out and protest in Turkey anymore against me! I forbid it! I forbid it you hear me! You'll be all arrested!"
— Dispropaganda (@Dispropoganda) March 22, 2025
Turks: pic.twitter.com/Gp86lgcMfg
જો કે, તુર્કીની સરકાર અને ન્યાયતંત્રે રાજકીય હસ્તક્ષેપના આરોપોને નકારી કાઢ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે કોર્ટે સ્વતંત્ર રીતે નિર્ણય લીધો છે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવી જરૂરી હતી.
ઇમામોગ્લુની ધરપકડ બાદ ઇસ્તાંબુલ, અંકારા અને ઇઝમિર જેવા મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ, વોટર કેનન અને પ્લાસ્ટિક બુલેટનો ઉપયોગ કર્યો હતો. જેના જવાબમાં દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ફટાકડા ફોડ્યા હતા. સરકારે આ પ્રદર્શનોને "સડકો પરનો આતંક" ગણાવીને કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
🟡NOW: Massive turnout for anti-government protests now in Istanbul, Turkey. Other cities are also seeing large protests. Opposition parties and organizations had vowed beforehand to mobilize "millions." pic.twitter.com/yQi9NgxeBt
— red. (@redstreamnet) March 21, 2025
CHPએ ઇમામોગ્લુના સમર્થનમાં 'સોલિડેરિટી વોટ' ઝુંબેશ શરૂ કરી છે અને લોકોને મોટી સંખ્યામાં તેમનો ટેકો આપવા અપીલ કરી છે. CHPના નેતા કેમલ કિલીકદારોગ્લુએ કહ્યું કે આ માત્ર એક વ્યક્તિની વાત નથી, પરંતુ તુર્કીમાં લોકશાહી પર હુમલો છે.
આ રાજકીય અસ્થિરતાની અસર તુર્કીના અર્થતંત્ર પર પણ જોવા મળી રહી છે. ટર્કિશ લિરામાં ભારે ઘટાડો નોંધાયો છે અને તુર્કિયેનો બેન્ચમાર્ક BIST 100 ઇન્ડેક્સ 8% સુધી ગગડી ગયો છે. રોકાણકારોનું માનવું છે કે આ રાજકીય પરિસ્થિતિ દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ઇમામોગ્લુએ પણ પોતાની ધરપકડ પહેલા ચેતવણી આપી હતી કે આ કાર્યવાહીથી તુર્કીની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને રોકાણકારોના વિશ્વાસ પર નકારાત્મક અસર પડશે.
ઉલ્લેખનીય છે કે એકરેમ ઇમામોગ્લુએ 2019માં ઇસ્તાંબુલના મેયર પદની ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ એર્દોગનની પાર્ટીને મોટો ઝટકો આપ્યો હતો. ચૂંટણીમાં ગેરરીતિના આરોપો બાદ ફરીથી મતદાન થયું હતું, જેમાં ઇમામોગ્લુ વધુ મોટા માર્જિનથી જીત્યા હતા. તેમની વધતી જતી લોકપ્રિયતા તેમને 2028ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક મજબૂત દાવેદાર બનાવે છે. આ પહેલા 2022માં તેમને તુર્કીની સર્વોચ્ચ ચૂંટણી પરિષદનું અપમાન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તાજેતરમાં તેમની યુનિવર્સિટીની ડિગ્રી પણ રદ કરવામાં આવી હતી, જેને તેમના સમર્થકો રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા રોકવાનું કાવતરું માની રહ્યા છે. હાલ તુર્કીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે અને દેશમાં અસ્થિરતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
