Afghanistan News: પરિવાર સાથે આ દેશમાં છૂપાયા છે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની
અફઘાનિસ્તાન પર કટ્ટરપંથી સંગઠન તાલિબાને કબજો જમાવ્યા બાદ અફઘાનિસ્તાન છોડીને ભાગેલા રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના પરિવાર સાથે અબૂ ધાબીમાં છે.
Afghanistan News: અફઘાનિસ્તાન પર કટ્ટરપંથી સંગઠન તાલિબાને કબજો જમાવ્યા બાદ અફઘાનિસ્તાન છોડીને ભાગેલા રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના પરિવાર સાથે અબૂ ધાબીમાં છે. સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટી કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે યુએઇ માનવતાના આધાર પર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારનું સ્વાગત કરે છે. જોકે, તેઓ યુએઇમાં ક્યાં છે તે અંગે કોઇ વધુ જાણકારી આપવામાં આવી નહોતી.
સંયુક્ત આરબ અમીરાતે કહ્યું કે, તેમણે અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારનો માનવતાના આધાર પર સ્વીકાર કર્યો છે. તાલિબાન કાબુલ નજીક પહોંચ્યા તે અગાઉ ગની દેશ છોડીને ભાગી ગયા હતા. યુએઇની સરકારની સમાચાર સમિતિ ડબલ્યૂએએમએ બુધવારે પોતાના સમાચારમાં આ જાણકારી આપી નથી.
બીજી તરફ પૂર્વીય શહેર જલાલાબાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર તાલિબાનની હિંસક કાર્યવાહીમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને છ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. અફઘાનિસ્તાનના એક સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી આપી હતી. ડઝનેક લોકોએ બુધવારે અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો અને તાલિબાની ધ્વજ ઉતારી દીધો હતો. બાદમાં તાલિબાને ગોળીઓ વરસાવી હતી અને લોકો સાથે મારપીટ કરી હતી.
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિને મળ્યા તાલિબાનના નેતાઓ
અફઘાનિસ્તાનમાં તાલિબાની કબજા બાદ આગામી સરકાર રચવાને લઇને તાલિબાની નેતા અનસ હક્કાનીએ આજે કાબુલમાં પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇ, હાઇ પીસ કાઉન્સિલના ચેરમેન ડો અબ્દુલ્લા અને પૂર્વ મુઝાહિદ્દીન નેતા ગુલબદ્દીન હેકમતિયાર સાથે બેઠક કરી હતી. નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં કાબુલ પર તાલિબાનના કબજા વચ્ચે રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. હવે મુલ્લા અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ બની શકે છે. બરાદર તાલિબાનના રાજકીય વિંગના વડા છે.
નોંધનીય છે કે 3 દિવસ અગાઉ એબીપી ન્યૂઝે અહેવાલ બતાવ્યા હતા કે અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇ, હાઇ પીસ કાઉન્સિલના ચેરમેન ડો અબ્દુલ્લા અને પૂર્વ મુઝાહિદ્દીન નેતા ગુલબદ્દીન હેકમતિયાર કાબુલ પહોંચી રહ્યા છે અને તાલિબાની નેતાઓ સાથે વાતચીત કરશે. ગઇકાલે સમાચાર આવ્યા કે તાલિબાની નેતા હાલમાં કાબુલ આવી રહ્યા નથી અને ગુલબદીન હેકમતિયારે જાહેરાત કરી હતી કે ત્રણેય નેતાઓ દોહા જઇને તાલિબાની નેતૃત્વ સાથે મુલાકાત કરશે પરંતુ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો અને તાલિબાની નેતા મુલ્લા બરાદર અફઘાનિસ્તાન પહોંચ્યા અને તેમણે અનસ હક્કાનીના આ ત્રણેય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.