US H1B L1 Visa Renewal: ભારતીયો માટે વધુ એક ખરાબ સમાચાર, વીઝાને લઇને બદલાઇ શકે છે આ નિયમ
US Change Visa Policy: રિપબ્લિકન સેનેટરોનું કહેવું છે કે આ નિયમથી ઇમિગ્રેશન કાયદાઓનું નિરીક્ષણ કરવાનું મુશ્કેલ બની જાય છે

US Change Visa Policy: અમેરિકન રિપબ્લિકન સીનેટર રિક સ્કોટ અને જોન કેનેડીએ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેનો ઉદ્દેશ્ય બાઇડન વહીવટીતંત્રના નિયમને બદલવાનો છે જેણે વર્ક પરમિટના ઓટોમેટિક રિન્યૂઅલ સમયગાળાને 180 દિવસથી વધારીને 540 દિવસ કરવામાં આવ્યો હતો. આ ફેરફારનો હેતુ એવા વિઝા ધારકોને રાહત આપવાનો હતો જેઓ તેમની વર્ક પરમિટની રિન્યુઅલ પ્રક્રિયા દરમિયાન યુએસમાં કાયદેસર રીતે કામ કરવાનું ચાલુ રાખી શકે છે.
રિપબ્લિકન સેનેટરોનું કહેવું છે કે આ નિયમથી ઇમિગ્રેશન કાયદાઓનું નિરીક્ષણ કરવાનું મુશ્કેલ બની જાય છે. સીનેટર જોન કેનેડીએ તેને "ખતરનાક" ગણાવતા કહ્યું કે તે ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિને નબળી પાડે છે. તેમનું માનવું છે કે આ વિસ્તરણથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને કામ કરતા ઇમિગ્રન્ટ્સ પર નજર રાખવી મુશ્કેલ બનશે.
ભારતીય વ્યાવસાયિકો પર સંભવિત અસર
આ વિવાદ મુખ્યત્વે H-1B અને L-1 વિઝા ધારકોને અસર કરે છે જેઓ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. આમાં ભારતીય નાગરિકોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. 2023માં જાહેર કરાયેલા H-1બી વિઝામાંથી 72 ટકા ભારતીય નાગરિકોને આપવામાં આવ્યા હતા અને L-1 વિઝામાં પણ ભારતીયોનો મોટો હિસ્સો હતો.
H-1B અને L-1 વિઝા ધારકો મળતા લાભો
બાઇડન સરકારના નિયમથી ભારતીય H-1B અને L-1 વિઝા ધારકોને વર્ક પરમિટ રિન્યુઅલ દરમિયાન સ્થિરતા મળી છે. ઓટોમેટિક રિન્યુઅલ સમયગાળો અગાઉના 180 દિવસથી વધારીને 540 દિવસ કરવાથી તેઓ તેમની વર્ક પરમિટની સ્થિતિ અપડેટ થઈ રહી હોય ત્યારે યુએસ નોકરીઓમાં રહી શકશે. આ વિસ્તરણ તેમના વ્યવસાય અને પરિવાર માટે જરૂરી સુરક્ષા પૂરી પાડે છે.
H-1B, L-1, અને અન્ય વિઝા શું છે?
H-1B વીઝા: આ વીઝા ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ફાઇનાન્સ જેવા ઉદ્યોગોમાં વિશિષ્ટ વિદેશી કર્મચારીઓ માટે છે.
H-4 વીઝા: આ H-1B ધારકોના આશ્રિતો (જીવનસાથી અને બાળકો) માટે છે અને તેમાં કેટલાક વર્ક ઓથરાઇઝેશનની એલિજિબિલિટી પણ શામેલ છે.
L-1 વીઝા: આ બહુરાષ્ટ્રીય કંપનીઓને કર્મચારીઓને યુએસ શાખાઓમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. L-1A એક્ઝિક્યુટિવ ઓફિસર્સ માટે છે અને L-1B વિશેષ જ્ઞાન ધરાવતા કર્મચારીઓ માટે છે.
L-2 વીઝા: આ L-1 વીઝા ધારકોના આશ્રિતોને કામ કરવા અને અભ્યાસ કરવાની મંજૂરી આપે છે.
રિપબ્લિકન સિનેટરોએ પ્રસ્તાવ રજૂ કર્યો
રિપબ્લિકન સિનેટરો દ્વારા રજૂ કરાયેલ આ પ્રસ્તાવ H-1B અને L-1 વિઝા ધારકો, ખાસ કરીને ભારતીય વ્યાવસાયિકો માટે ચિંતાજનક હોઈ શકે છે. જો આ દરખાસ્ત પસાર થઈ જાય તો વર્ક પરમિટ રિન્યુઅલનો ઓટોમેટિક સમયગાળો ઓછો થઈ જશે, જેના કારણે આ વ્યાવસાયિકો માટે યુએસમાં તેમની નોકરી જાળવી રાખવી મુશ્કેલ બની શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ પ્રસ્તાવ પર યુએસ વહીવટીતંત્ર અને અન્ય રાજકીય પક્ષોની પ્રતિક્રિયા શું હશે.





















