Elon Musk: અમેરિકાની મહિલા સાંસદે ઘમંડી અરબપતિને લઈને ટ્વિટ કર્યુ એમાં એલન મસ્ક ખોટા ફસાઈ ગયા
ટેસ્લાના સીઈઓ અને અરબપતિ એલન મસ્કે હવે ટ્વિટર પણ ખરીદી લીધું છે. ટ્વિટરને ખરીદ્યા બાદ એલન મસ્કની આ ડિલ સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
Elon Musk Tweet: ટેસ્લાના સીઈઓ અને અરબપતિ એલન મસ્કે હવે ટ્વિટર પણ ખરીદી લીધું છે. ટ્વિટરને ખરીદ્યા બાદ એલન મસ્કની આ ડિલ સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. હવે સ્થિતિ એવી બની ગઈ છે કે, કોઈ વ્યક્તિને કોઈ કંપની સાથે વાંધો પડ્યો હોય કે કંઈ પરેશાની થઈ હોય તો તે ટ્વિટ કરીને એલન મસ્ક પાસે એ કંપનીને ખરીદી લેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે એલન મસ્ક પણ હાલ ખુબ મજા લઈ રહ્યા છે. જો કે હાલ અમેરિકન મહિલા સાંસદ અને એલન મસ્કની એક ટ્વિટર ચેટ વાયરલ થઈ રહી છે.
અમેરિકી સાંસદે ટ્વીટ કર્યુંઃ
અમેરિકાની મહિલા સાંસદ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે એક અબજોપતિનો ઉલ્લેખ કરીને તેને ઘમંડી કહ્યો હતો. જેમાં તેમણે નફરતને લગતા વધી રહેલા ગુનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે, કેટલાક અબજોપતિઓ તેમની ઘમંડની સમસ્યા સાથે મોટા કોમ્યુનિકેશન પ્લેટફોર્મ (સોશિયલ મીડિયા) ચલાવી રહ્યા છે.
એલન મસ્કે મજા લીધીઃ
અમેરિકી સાંસદના આ ટ્વિટમાં કોઈનું નામ નથી લખવામાં આવ્યું, પરંતુ તે સ્પષ્ટ હતું કે તે એક અબજોપતિ વિશે વાત કરી રહી છે જે એક મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવે છે. આ સ્થિતિમાં, એલન મસ્કે તરત જ આ ટ્વિટનો જવાબ આપ્યો. મસ્કે ટ્વિટના રિપ્લાયમાં લખ્યું કે, "મારા પર મારવાનું બંધ કરો, હું ખૂબ શરમાળ છું."
જો કે, આ પછી યુએસ સાંસદે એલન મસ્કના ટ્વિટના રિપ્લાયમાં વધુ એક ટ્વિટ કર્યું, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું નિશાન મસ્ક નહીં પરંતુ ફેસબુક અને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ છે. મસ્કને જવાબ આપતાં સાંસદે કહ્યું કે, હું ઝકરબર્ગ વિશે વાત કરી રહી હતી, પરંતુ બરાબર છે.
આમ એલન મસ્ક ઉતાવળમાં બીજા વ્યક્તિને ઉદ્દેશીને કરાયેલા ટ્વિટમાં રિપ્લાય આપીને ફસાઈ ગયા હતા.