ટ્રમ્પે પુતિન સાથે ફોન પર કરી વાત, કહ્યુ-'રશિયા-યુક્રેન સીઝફાયર માટે જલદી વાતચીત શરૂ કરશે'
Russia Ukraine War: તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન તાત્કાલિક યુદ્ધવિરામ અને યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો શરૂ કરશે.

Russia Ukraine War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (19 મે, 2025) યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બે કલાક ફોન પર વાત કરી હતી. ટ્રમ્પે સોશિયલ ટ્રુથ પર પોસ્ટ કરી અને કહ્યું કે પુતિન સાથેની તેમની વાતચીત ખૂબ સારી રહી. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન તાત્કાલિક યુદ્ધવિરામ અને યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો શરૂ કરશે. ટ્રમ્પે કહ્યું કે આ માટે જે પણ શરતો હશે તે બંને પક્ષો વચ્ચે વાતચીત દ્વારા નક્કી કરવામાં આવશે.
#BREAKING Trump says Russia, Ukraine to 'immediately start' talks on ceasefire pic.twitter.com/DDhoBX44i3
— AFP News Agency (@AFP) May 19, 2025
રશિયા મોટા પાયે વેપાર કરવા માંગે છે: ટ્રમ્પ
ટ્રમ્પે દાવો કર્યો છે કે આ ભયંકર યુદ્ધના અંત પછી રશિયા અમેરિકા સાથે મોટા પાયે વેપાર કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે, "રશિયા માટે મોટી સંખ્યામાં નોકરીઓ અને સંપત્તિનું સર્જન કરવાની આ એક જબરદસ્ત તક છે. તેવી જ રીતે યુક્રેન પણ તેના દેશના પુનર્નિર્માણની પ્રક્રિયામાં અમેરિકા સાથે વેપાર કરીને આનો લાભ લઈ શકે છે."
ટ્રમ્પે કહ્યું હતું કે પુતિન સાથે વાત કર્યા પછી તરત જ તેમણે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી, યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિમ મેર્ઝ અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબને આ અંગે જાણ કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે વેટિકને રશિયા-યુક્રેન વાટાઘાટોનું આયોજન કરવામાં રસ દાખવ્યો છે.
પરમાણુ શસ્ત્રોના ઉપયોગ પર પુતિને શું કહ્યું?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે કહ્યું હતું કે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ વિના પણ રશિયા પાસે યુક્રેન અભિયાન પૂર્ણ કરવા અને તેના નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પૂરતા દળો છે. તેમણે કહ્યું, "આ ભૂલ (પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ) કરવા માટે અમને દબાણ કરવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આ વિકલ્પ વિના પણ અમારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે અમારી પાસે પૂરતી શક્તિ છે.
વધુમાં પુતિને કહ્યું હતું કે "તેનો ઉદ્દેશ્ય આ કટોકટીના મૂળ કારણોને દૂર કરવાનો, લાંબા ગાળાની અને સ્થાયી શાંતિ માટે પરિસ્થિતિઓ બનાવવાનો અને રશિયાને સુરક્ષા પૂરી પાડવાનો છે. પુતિનના મતે રશિયાએ વારંવાર યુક્રેન સંઘર્ષનો ઉકેલ લાવવાની હાકલ કરી છે અને કટોકટીના મૂળ કારણોને સંબોધવા પર ભાર મૂક્યો છે.





















