Russia- Ukraine War: રશિયન સેના પાસેથી પોતાનો પ્રદેશ પરત લેવા યુક્રેની સેનાએ હુમલા શરુ કર્યા, ઝેલેન્સકીએ કહ્યું - 'ઘરે જાઓ'
અઠવાડિયાથી રશિયન-યુક્રેનની સેનાઓએ એકબીજા પર હુમલો કરવાનું બંધ કરી દીધું હતું. યુદ્ધમાં અઠવાડિયાની મડાગાંઠ બાદ હવે ફરીથી યુક્રેને આક્રમક હુમલો કર્યો છે.
Volodymyr Zelensky Tells Russians Go Home: હવે રશિયા-યુક્રેનના યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા અને લાખો લોકો બેઘર થયા છે. જો કે, અઠવાડિયાથી રશિયન-યુક્રેનની સેનાઓએ એકબીજા પર હુમલો કરવાનું બંધ કરી દીધું હતું. યુદ્ધમાં અઠવાડિયાની મડાગાંઠ બાદ હવે ફરીથી યુક્રેને આક્રમક હુમલો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયન સૈનિકોને દક્ષિણી શહેર ખેરસનમાંથી પાછા હટી જવા કહ્યું છે. યુક્રેનની સેના રશિયન સેના પાસેથી પોતાના વિસ્તારોને પરત લેવા માટે અહીં હુમલો કરી રહી છે. બીજી તરફ રશિયન સેના કહી રહી છે કે, યુક્રેનનો આ હુમલો સફળ રહ્યો નથી.
યુક્રેન તેનો પ્રદેશ પાછો લેવા માતે તત્પરઃ
નોંધપાત્ર વાત એ છે કે, રશિયા-યુક્રેન યુદ્ધનું પરીણામ હજી સુધી આવ્યું નથી. જો કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ બંને દેશોએ એકબીજા પર હુમલા કરવાનું બંધ કર્યું હતું. દરમિયાન, યુક્રેન તેના પ્રદેશો પાછા લેવા માટે તત્પર હોય તેવું દેખાય છે અને તેમણે હુમલો કરવાનું શરૂ કર્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સોમવારે મોડી રાત્રે તેમના સંબોધનમાં વચન આપ્યું હતું કે, યુક્રેનિયન સેના રશિયન દળોનો બોર્ડર સુધી પીછો કરશે. જો તેઓ જીવતા રહેવા માંગતા હોય, તો રશિયન સેના માટે ભાગી જવાનો આ સમય છે. ઝેલેન્સકીએ વધુમાં કહ્યું, "યુક્રેન જે તેની માલિકી ધરાવે છે તે પાછું લઈ રહ્યું છે મતલબ કે તેના પ્રદેશો પાછા લઈ રહ્યું છે." ઝેલેન્સકીના વરિષ્ઠ સલાહકાર ઓલેકસી એરેસ્ટોવિચે જણાવ્યું હતું કે, યુક્રેનના હુમલા સામે રશિયન દળો પોતાનો બચાવ કરવામાં સફળ થયા નહતા. તેમણે કહ્યું કે, થોડા જ કલાકોમાં તેની સેના તૂટી ગઈ.
રશિયાએ કહ્યું કે - યુક્રેનની સેના સફળ ના થઈ
આરઆઈએ (RIA) ન્યૂઝ એજન્સી અનુસાર, રશિયાના સંરક્ષણ મંત્રાલયે (Russia's Defence Ministry) કહ્યું કે, "યુક્રેનિયન સૈનિકોએ માયકોલાઈવ (Mykolaiv) અને ખેરસોન વિસ્તારોમાં આક્રમક હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દુશ્મનનું આક્રમણ ખરાબ રીતે નિષ્ફળ ગયું છે." જો કે, અહીં રશિયા દ્વારા નિયુક્ત સત્તાધિકારીના અધિકારીઓએ આરઆઈએને જણાવ્યું હતું કે, યુક્રેનિયન રોકેટ હુમલાને કારણે રશિયન હસ્તકના શહેર નોવા કાખોવકામાં પાણી અને વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો.