અમેરિકા આડું ફાટ્યું તો ભારતના સપોર્ટમાં આવ્યું ચીન, કહ્યું – આપણે એક સાથે મળીને તેના....
ચીન-યુએસ ટેરિફ તણાવ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારત પાસે સહયોગ માંગ્યો, આધિપત્યનો વિરોધ કરવા કરી હાકલ.

Wang Yi India relations: ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે ત્યારે ચીને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ નવી દિલ્હી અને બેઇજિંગને સાથે મળીને કામ કરવા અને વર્ચસ્વ તેમજ સત્તાના રાજકારણનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની હાકલ કરી છે. તેમના આ નિવેદનને અમેરિકા સાથેના વધતા તણાવના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ નેશનલ પીપલ્સ કોંગ્રેસની બેઠક બાદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "ડ્રેગન અને હાથીને ડાન્સ કરવો પડશે અને તે જ યોગ્ય વિકલ્પ છે." તેમના આ રૂપકનો અર્થ ચીન (ડ્રેગન) અને ભારત (હાથી) એ સાથે મળીને કામ કરવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "એકબીજાને ટેકો આપવો અને સહયોગને મજબૂત કરવો એ બંને દેશોના લોકો અને રાષ્ટ્રોના મૂળભૂત હિતમાં છે, એકબીજાને નબળા પાડવામાં નહીં."
વાંગ યીએ વધુમાં ઉમેર્યું હતું કે, "જો એશિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ એકસાથે આવે તો તે આંતરરાષ્ટ્રીય સંબંધોનું લોકશાહીકરણ, વિકાસ અને 'ગ્લોબલ સાઉથ'ને મજબૂત કરવામાં મદદ કરશે, જે એક ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે." 'ગ્લોબલ સાઉથ' શબ્દનો ઉપયોગ મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો માટે થાય છે, જેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘણી વખત કરતા જોવા મળે છે.
ચીનના વિદેશ મંત્રીએ ભારત અને ચીનના સંબંધોમાં સકારાત્મક પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે રશિયાના કઝાન શહેરમાં થયેલી સફળ બેઠક બાદ સંબંધો સુધારા તરફ આગળ વધ્યા છે. તેમણે પૂર્વી લદ્દાખમાં સરહદ પર ચાર વર્ષથી ચાલી રહેલા સૈન્ય અવરોધનો અંત આવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે ત્યારબાદ બંને દેશોએ નેતાઓ વચ્ચે બનેલી સહમતિને નિષ્ઠાપૂર્વક અનુસરીને તમામ સ્તરે આદાનપ્રદાન અને સહયોગ વધાર્યો છે, જેના ઘણા સકારાત્મક પરિણામો મળ્યા છે.
જો કે, ભારતે હજી સુધી ચીનના આ નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. પરંતુ, આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે સંકેત આપ્યો હતો કે ભારત સરકાર ચીન સાથેના સંબંધોને સકારાત્મક દિશામાં આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે.
અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા વેપાર તણાવની પૃષ્ઠભૂમિમાં ચીન દ્વારા ભારતને કરવામાં આવેલી આ અપીલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે જોવાનું એ રહે છે કે ભારત આ દિશામાં કેવો પ્રતિસાદ આપે છે.
આ પણ વાંચો....





















