PAKISTAN : જો ઇમરાન સરકાર પડી ભાંગશે તો કોની બનશે સરકાર?, કોણ બનશે વડાપ્રધાન?, વાંચો સમગ્ર અહેવાલ
Pakistan Politics : એક શક્યતા એ પણ છે કે ઇમરાન ખાનની પાર્ટી PTI પણ ઇમરાનની જગ્યાએ કોઈ અન્યને બેસાડી શકે છે.
PAKISTAN : પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારથી દેશમાં રાજકીય અસ્થિરતાનું વાતાવરણ છે, આવી સ્થિતિમાં ઈમરાન સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. જો ઈમરાન સરકાર પડી જાય તો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ PML(N) અથવા પાકિસ્તાન પીપલ્સ પાર્ટી-PPPના નેતૃત્વમાં સરકાર રચાય તો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પહેલા ભારત સાથેના સંબંધોને આગળ વધારવા માટે તે સરકારોમાં ઓછામાં ઓછા કેટલાંક પગલાં લેવામાં આવ્યા હતા. ઇમરાને વર્તમાન વડાપ્રધાન મોદી પર માત્ર અંગત પ્રહારો જ નથી કર્યા, પરંતુ તાજેતરમાં જ ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાના નિર્ણયને પણ પલટાવ્યો છે.
ઇમરાનની પાર્ટી PTI કરશે ઇમરાનની હકાલપટ્ટી ?
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં એવી પણ શક્યતા છે કે ખુદ ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તેહરીક-એ-ઇસ્લામ PTI ના ઘણા સાંસદો અને સહયોગીઓની નારાજગીને જોતા PTI ઇમરાનની જગ્યાએ કોઈ અન્યને બેસાડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પણ એક વિકલ્પ છે, જેના પર વિચારણા ચાલી રહી છે.પરંતુ ઈમરાન આના માટે સરળતાથી સહમત નહીં થાય.
ઇમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ
PML(N) અને PPP ના લગભગ 100 સાંસદોએ 8 માર્ચે નેશનલ એસેમ્બલી સચિવાલય સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી આરોપ લગાવ્યો કે PTI ની ખાનની આગેવાનીવાળી સરકાર વર્તમાન આર્થિક કટોકટી અને વધતી મોંઘવારી માટે જવાબદાર છે. અવિશ્વાસની દરખાસ્તને ધ્યાનમાં રાખીને, સંસદનું સત્ર 21 માર્ચે બોલાવવામાં આવે તેવી સંભાવના છે અને 28 માર્ચે પ્રસ્તાવ પર મતદાન થવાની સંભાવના છે.
નવાઝ શરીફનો ભાઈ બનશે વડાપ્રધાન?
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના પ્રમુખ અને ત્રણ વખતના વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે વિરોધ પક્ષો તેમને (શાહબાઝ શરીફને) વચગાળાના વડાપ્રધાન બનાવવા માંગે છે, પરંતુ અંતિમ નિર્ણય પીએમએલ-એન વડા નવાઝ શરીફ લેશે. સામ ટીવી પર એક ઇન્ટરવ્યુ દરમિયાન, શરીફને વર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તની સેનાની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું હતું, જેના પર તેમણે કહ્યું હતું કે વિપક્ષી સભ્યોને ક્યાંયથી ફોન આવ્યા નથી. તેમણે કહ્યું, "મને કોઈએ કહ્યું નથી કે તેમને સેના તરફથી ફોન આવ્યો છે."