Asian Games 2023: એશિયન ગેમ્સમાં પ્રથમ દિવસે ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ સાથે ભારતે જીત્યા પાંચ મેડલ
1st Day Of Hangzhou Asian Games: ચીનના હાંગઝોઉ એશિયન ગેમ્સનો પ્રથમ દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો.
1st Day Of Hangzhou Asian Games: ચીનના હાંગઝોઉ એશિયન ગેમ્સનો પ્રથમ દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો. ભારતે પ્રથમ દિવસે 5 મેડલ જીત્યા હતા. પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ 3 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સિવાય ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવ્યું હતું. બાંગ્લાદેશ સામેની જીત બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ રીતે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એક મેડલ નિશ્વિત કર્યો હતો.
પ્રથમ દિવસની ઇવેન્ટ્સ સમાપ્ત થયા પછી ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. જ્યારે યજમાન ચીન ટોચ પર છે. 20 ગોલ્ડ મેડલ ઉપરાંત ચીને પ્રથમ દિવસે 7 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ રીતે મેડલ ટેલીમાં ચીન 30 મેડલ સાથે ટોપ પર છે.
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહની જોડીએ રોઇંગમાં સિલ્વર મેડલ જીત્યો
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહની જોડીએ રોઈંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ચીને આ ઈવેન્ટનો ગોલ્ડ જીત્યો હતો. ભારતીય જોડીએ અંતિમ રેસમાં 6 મિનિટ 28.18 સેકન્ડનો સમય લીધો હતો. પરંતુ ચીનની જોડીએ 6:23.16 મિનિટના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
શૂટિંગમાં મેહુલી ઘોષ, રમિતા અને આશી ચોક્સી ચમક્યા
ભારતીય મહિલા ટીમે 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મેહુલી ઘોષ, રમિતા અને આશી ચોકસીની ટીમ 1880.0ના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી. રોઇંગ પુરુષોની જોડીની ફાઇનલમાં બાબુલાલ યાદવ અને લેખરામની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં હોંગકોંગે ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ઉઝબેકિસ્તાને સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતીય પુરૂષ ટીમે રોઇંગમાં સિલ્વર જીત્યો
ભારતીય પુરુષ ટીમે રોઇંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે 5:43.01 મિનિટના સમય સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. નીરજ, નરેશ કલવાનિયા, નીતિશ કુમાર, ચરણજીત સિંહ, જસવિંદર સિંહ, ભીમ સિંહ, પુનિત કુમાર, આશિષ અને ધનંજય ઉત્તમ પાંડે આ ભારતીય ટીમનો ભાગ હતા.
મહિલા શૂટિંગ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતને પ્રથમ દિવસે શૂટિંગમાં પાંચમો મેડલ મળ્યો હતો. ભારતીય મહિલા શૂટિંગ ટીમે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય શૂટર રમિતા (230.1 પોઈન્ટ) ત્રીજા અને મેહુલી ઘોષ (208.3 પોઈન્ટ) ચોથા ક્રમે છે. ચીને આ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
ભારતીય પુરૂષ હૉકી ટીમ જીતી
ભારતીય પુરુષ હૉકી ટીમ માટે પ્રથમ દિવસ શાનદાર રહ્યો હતો. ભારતીય ટીમે ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. ભારતીય બોક્સર નિખત ઝરીને 50 કિલોની કેટેગરીના પ્રારંભિક રાઉન્ડમાં જીતીને અંતિમ-16માં સ્થાન મેળવ્યું હતું.
ભારતીય તરવૈયાઓએ નિરાશ કર્યા
જોકે, સ્વિમિંગના પ્રથમ દિવસે ભારતીય તરવૈયાઓએ નિરાશ કર્યા હતા. શ્રીહરિ નટરાજ અને મહિલા ફ્રીસ્ટાઇલ રિલે ટીમ ચોક્કસપણે ફાઇનલમાં પ્રવેશી હતી પરંતુ મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી. શ્રી હરિ નટરાજ 54:48 સેકન્ડ સાથે છઠ્ઠા સ્થાને રહ્યો. આ સિવાય ઢીંડી, રાજીવ માના, જાહ્નવી અને શુભાંગીની ટીમને 4X100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં 3:54.66 મિનિટના સમય સાથે 7મા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો.